વિદ્યાદીપ યુનિવર્સિટીમાં ‘રાઝમટાઝ 2026’ની ભવ્ય ઉજવણી
ભૂમિ આહીરના ગરબાના સૂર અને તાલે ઝૂમ્યું સમગ્ર કેમ્પસ
સુરત: નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વિદ્યાદીપ યુનિવર્સિટી, સુરાત ખાતે ‘રઝમટાઝ 2026 – લય, પરંપરા અને ઉત્સવની એક સાંજનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલના તાલ, ગરબાના સૂર અને ગુજરાતી સંસ્કૃતિના રંગોથી રંગાયેલા આ ઉત્સવમાં લોકપ્રિય ગરબા ગાયિકા ભૂમિ આહીરના લાઇવ પર્ફોર્મન્સે સમગ્ર કેમ્પસને ગરબાના તાલે ઝૂમતું કરી દીધું હતું. ભક્તિ, પરંપરા અને ઉત્સાહના ત્રિવેણી સંગમ સમાન આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ, ઉપપ્રમુખ ડૉ. હિરેનભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડૉ. વિપુલ શાસ્ત્રી અને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર શ્રી મુકુંદભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીની સાંસ્કૃતિક સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ અંબેમાંની ભક્તિભાવપૂર્ણ આરતી સાથે કરવામાં આવ્યો હતો. આરતી માટે તૈયાર કરવામાં આવેલો મંડપ સુંદર પુષ્પસજ્જાથી શોભી રહ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. આરતીનો પ્રારંભ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ અને ઉપપ્રમુખ ડૉ. હિરેનભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રોવોસ્ટ ડૉ. વિપુલ શાસ્ત્રી, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર શ્રી મુકુંદભાઈ પટેલ તેમજ વિવિધ કોલેજોના ડીન અને પ્રિન્સિપાલશ્રીઓએ આરતીમાં સહભાગી બની અંબેમાંના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ભક્તિ અને શ્રદ્ધાથી ભરપૂર આ મંગલમય પ્રારંભે કાર્યક્રમને આધ્યાત્મિક ગરિમા અર્પી હતી. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાતનાં લોકપ્રિય ગરબા ગાયિકા ભૂમિ આહીરનું જીવંત સંગીતમય પ્રસ્તુતિકરણ રહ્યું હતું. તેમના મધુર સ્વર અને લોકપ્રિય ગરબાગીતોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અંબેમાંનાં ભક્તિગીતો અને લોકપ્રિય ગરબાના તાલે સમગ્ર કેમ્પસ ગુંજી ઊઠ્યું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પરંપરાગત પોશાકમાં ગરબાની રમઝટ બોલાવી ઉત્સવના આનંદને બમણો કર્યો હતો. સૌ કોઈ ગરબાના તાલે ઝૂમી ઊઠતાં સમગ્ર પરિસરમાં આનંદ, ઉમંગ અને ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. સુંદર રીતે સજાવાયેલું મંચ, આકર્ષક રોશની, મનમોહક પુષ્પસજ્જા અને સંગીતમય વાતાવરણે કાર્યક્રમની ભવ્યતામાં વધારો કર્યો હતો. પરંપરાગત ગુજરાતી સંસ્કૃતિ અને આધુનિક આયોજનના સુમેળથી ‘રાઝમટાઝ 2026’ એક યાદગાર સાંસ્કૃતિક ઉત્સવ બની રહ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ગુજરાતી સંસ્કૃતિ, લોકપરંપરા અને સામૂહિક એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે વિદ્યાર્થીઓને કલા, સંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પોતાની પ્રતિભા રજૂ કરવાની તક પૂરી પાડવી તેમજ નવી પેઢીને પરંપરાગત વારસા સાથે જોડવી એ પણ આ આયોજનનો મહત્ત્વપૂર્ણ આશય હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉત્સાહભરી ભાગીદારીએ યુનિવર્સિટીના શૈક્ષણિક વાતાવરણની સાથે સાંસ્કૃતિક સહભાગિતા, સામૂહિક એકતા અને પરસ્પર સંવાદિતાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી. ‘રાઝમટાઝ 2026’ના સફળ આયોજન દ્વારા વિદ્યાદીપ યુનિવર્સિટીએ શિક્ષણની સાથે કલા, સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સંગીત, ગરબા, ભક્તિ અને ઉત્સાહના સુમેળથી સજ્જ આ ઉજવણી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે યાદગાર અનુભવ બની રહી હતી. આ કાર્યક્રમથી નવરાત્રિના ઉત્સાહમાં વધારો થવાની સાથે ગુજરાતી સંસ્કૃતિ અને સમૃદ્ધ લોકપરંપરા પ્રત્યે ગૌરવની ભાવના પણ વધુ પ્રબળ બની હતી.
