ઉચ્છલમાં પોલીસની રહેમનજર હેઠળ સટ્ટાબજારનો ધમધમાટ ?
કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા
સટ્ટા અને જોટીના અલગ-અલગ બજારોનું સામ્રાજ્ય
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને નારાણપુર ગામમાં સટ્ટા અને જોટીના અલગ-અલગ બજારોનું સામ્રાજ્ય ફેલાયું છે.
નવાઈની વાત તો એ છે કે, મીડિયા દ્વારા અગાઉ આ મુદ્દે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હોવા છતાં, ઉચ્છલ પોલીસના પેટનું પાણી હલતું નથી. એક પણ દિવસ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરાવવામાં આવી નથી. નારાણપુર સહિત ૧૪ વિસ્તારોમાં સટ્ટાબજાર સક્રિય છે જ્યાં અલગ-અલગ ટાઇમ સ્લોટમાં આંકડાનો ખેલ ચાલે છે, જેનું મીડિયા રિપોર્ટિંગ છતાં પોલીસની સૂચક મૌન હોઈ શું પોલીસ ઇન્સ્પેક્ટર અને જમાદારની છે મિલીભગત ? “સવાલ એ ઉભો થાય છે કે શું ઉચ્છલ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI) અને સ્થાનિક જમાદારની આમાં સીધી સંડોવણી છે? જનતામાં ચર્ચા છે કે હપ્તાખોરીના કારણે જ આટલા મોટા પાયે સટ્ટાનું નેટવર્ક ચાલી રહ્યું છે.
૧૪ જેટલા વિસ્તારોમાં ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે, છતાં પોલીસ કેમ લાચાર છે? શું ઉચ્ચ અધિકારીઓ પણ આ મૌન પાછળ જવાબદાર છે? જો મીડિયાના અહેવાલ પછી પણ કાર્યવાહી ન થતી હોય, તો શું ગુનેગારોને પોલીસનો જરાય ડર નથી રહ્યો ? સ્થાનિક લોકો હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે આશા રાખી રહ્યા છે કે ઉચ્છલ પોલીસની નિષ્ક્રિયતા સામે તપાસ થાય અને આ સટ્ટાના સામ્રાજ્યનો અંત આવે. શું હવે રેન્જ આઈજી કે એસપી કક્ષાએથી કોઈ કડક પગલાં લેવામાં આવશે કે પછી ઉચ્છલમાં આમ જ ‘વહીવટ’ ચાલતો રહેશે ?…
