સુરતમાં મેન્ટેનન્સ કર્મચારી બની સિગ્નલની બેટરી ચોરતી ટોળકી ઝડપાઈ
ગોડાદરામાંથી ટ્રાફિક સિગ્નલ બેટરી ચોરતા 2 આરોપી ઝડપાયા
મેન્ટેનન્સ કર્મચારીનો ડોળ કરી સિગ્નલની પેટી ખોલતા હતા
ક્રાઈમ બ્રાન્ચે બેટરી ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચે ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરી કરતી ટોળકીનો બે આરોપીઓને ગોડાદરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતાં. ઝડપાયેલા આરોપીઓ મેન્ટેનન્સ કર્મચારીનો ડોળ કરી સિગ્નલની પેટી ખોલતા અને બેટરી ચોરી જતા હતાં.
સુરતમાં ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરી કરતી ટોળકીનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી ગોડાદરામાંથી રાજેશકુમાર તિવારી અને લાલમણી પાન્ડેની ધરપકડ કરી હતી. બંને આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને હાલ સુરતમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. જુલાઈ 2026થી આરોપીઓએ ટ્રાફિક સિગ્નલની બેટરી ચોરી કરવાનો સિલસિલો શરૂ કર્યો હતો. આરોપીઓ ટેકનિકલ મેન્ટેનન્સ કર્મચારી હોવાનો ડોળ કરી સિગ્નલની પેટી ખોલતા અને અંદર રહેલી બેટરીઓ ચોરી જતા હતાં. આરોપીઓએ ઉધના, વેસુ, વરાછા, પાંડેસરા સહિત શહેરના 16 જેટલા પોલીસ મથક વિસ્તારોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તો પોલીસ તપાસમાં 55 જેટલા ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પરથી કુલ 155 બેટરી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓ પાસેથી 6 બેટરી સહિત 1.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ બંને આરોપીઓને વધુ તપાસ માટે ખટોદરા પોલીસને સોંપાઈ છે.
