સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી
મહિલા ઉમેદવાર તરીકે સ્વર્ગીય હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી મેદાને
સત્તાધારી સ્ટેડિયમ પેનલના ૨૧ માંથી ૧૮ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા
ચૂંટણીમાં સુરતના સાંસદ મુકેશ દલાલના ભાઈની હાર
સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં મતદારોના ભારે ઉત્સાહ વચ્ચે ૬૯.૦૯ ટકા મતદાન થયા બાદ મતગણતરીમાં સત્તાધારી સ્ટેડિયમ પેનલના ૨૧ માંથી ૧૮ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. જયારે હરીફ સ્વ. હેમંત કોન્ટ્રાકટરની પેનલમાંથી બન્ને દિકરીઓ અને અન્ય એક ઉમેદવાર મળીને ત્રણની જીત થતા સ્ટેડિયમ પેનલે એકવાર ફરી એસોસિએશન પર કબજો જમાવ્યો છે. આ ચૂંટણીમાં સુરતના સાંસદ મુકેશ દલાલના ભાઈની હાર થઇ હતી.
સુરત ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશનના ૨૧ હોદેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં ઝંપલાવનારા ૪૩ ઉમેદવારો માટે સવારે નવ વાગ્યાથી શરૂ થયેલી મતદાનની પ્રક્રિયા બપોરે ચાર વાગ્યે પૂર્ણ થઇ હતી. આ દરમ્યાન મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. એકબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે મતદારોએ પણ મતો માટે લાઈનો લગાવી હતી. બપોરે ચાર વાગ્યે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે કુલ નોંધાયેલા ૫૨૨૨ મતદારોમાંથી ૩૬૦૮ મતદારોએ મતદાન કરતા કુલ ટકાવારી ૬૯.૦૯ ટકા નોંધાઇ હતી. ત્યારબાદ મતગણતરી હાથ ધરાતા શરૂઆતમાં સ્ટેડિયમ પેનલ અને સ્વ. હેમંત કોન્ટ્રાકટરની પેનલના ઉમેદવારો વચ્ચે ૧૦૦ મતોનો જ તફાવત હતો. જો કે, જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઇ તેમ તેમ સ્ટેડિયમ પેનલના ઉમેદવારો જીતતા ગયા હતા. આખરી રાઉન્ડ પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીએ પરિણામ જાહેર કરતા સ્ટેડિયમ પેનલના ૧૮ ઉમેદવારોની જીત થઇ હતી. જયારે સામેની પેનલમાંથી ત્રણ ઉમેદવારો સ્વ. હેમંત કોન્ટ્રાકટરની દિકરી યેશા કોન્ટ્રાકટર અને અક્ષરા કોન્ટ્રાકટર તેમજ મહેક ગાંધીની જીત થઇ હતી. આમ ફરી એકવાર સ્ટેડિયમ પેનલ પર આક્ષેપો થયા હોવા છતાં ૨૧માંથી ૧૮ ઉમેદવારોની જીત થઇ હતી. જીતના પગલે પેનલ દ્વારા વરઘોડો કાઢીને ઉજવણી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ૧૦૬ મતો રદ થયા હતા.