દ્વારકાધીશ જગત મંદિરે ચંદન વાઘાનો શૃંગાર કરાયો

Featured Video Play Icon
Spread the love

દ્વારકાધીશ જગત મંદિરે ચંદન વાઘાનો શૃંગાર કરાયો
વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પાવન અવસરે શૃંગાર
સતત બે માસ સુધી વૈશાખ સુદ-3 થી અષાઢ સુદ-1 સુધી યથાવત્ રહેશે.

દ્વારકા યાત્રાધામ દ્વારકાધીશ જગતમંદિરે વૈશાખ સુદ ત્રીજ એટલે કે અક્ષય તૃતીયાના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશને ઋતુ અનુસાર વિશેષ ચંદન વાઘાનો શૃંગાર કરાયો હતો.

ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને ઠાકોરજીને પરંપરાગત વસ્ત્રોની જગ્યાએ ચંદનથી બનેલા શીતળ વાઘા પરિધાન કરાયા હતાં. જગતમંદિરમાં દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે જ ચંદન વાઘાના દર્શનનો વિશેષ મહિમા રહે છે. આ અવસરથી શ્રીજીમાં પુષ્પ શૃંગાર દર્શનનો પ્રારંભ થાય છે, જે સતત બે માસ સુધી વૈશાખ સુદ-3 થી અષાઢ સુદ-1 સુધી યથાવત્ રહેશે. આ દરમિયાન દરરોજ ભગવાનને વિવિધ પ્રકારના સુગંધિત ફૂલો દ્વારા અલંકૃત કરવામાં આવશે, જે મંદિરની ભક્તિમય વાતાવરણને વધુ ભવ્ય બનાવશે.

ભગવાનને શીતળતા આપવા માટે પરંપરાગત પદ્ધતિથી ચંદન વાઘાનો શૃંગાર કરવામાં આવે છે. પુજારી પરિવાર દ્વારા કરવામાં આવતો આ શૃંગાર ભક્તિ અને પરંપરાનો અનોખો સંયોગ રજૂ કરે છે. જગતમંદિરના પુજારી પ્રણવભાઈ પુજારીના જણાવ્યા મુજબ, આ દિવસે ભગવાનને ઠંડક આપતા ભોગ અર્પણ કરવામાં આવે છે. જેમાં મુરબ્બા, કેરીથી બનેલા વ્યંજન, ગરમાળું, શીખંડ, ખારી મગની દાળ અને ચણાની મીઠી દાળ જેવા પદાર્થોનો સમાવેશ થાય છે. આ ભોગ ભગવાનને ગરમીથી રાહત આપે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *