સુરત નવી સિવિલ હોસ્પિટલના વાઈરલ વિડીઓથી વિવાદ
વિડીઓ સંદર્ભે ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાઈ
રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત નવી સિવિલ સિવિલ હોસ્પિટલના વાઈરલ વિડીઓ સંદર્ભે ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાઈ છે અને રિપોર્ટ આવ્યા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. ધારિત્રી પરમાર એ જણાવ્યુ હતું.
ગત તારીખ 18મી મેના રોજ સુરત નવી સિવિલ હોસ્પિટલના કેજ્યુઅલ્ટી વોર્ડના વાયરલ વિડીઓ અંગે સ્પષ્ટતા કરતા નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નાગરિકોને સુદ્રઢ આરોગ્યસેવાઓ પૂરી પાડવા સતત પ્રયાસરત રહી છે. કેજ્યુઅલ્ટી એટલે કે ઈમરજન્સી વોર્ડમાં જ્યારે દર્દી દાખલ થાય છે ત્યારે સી.એમ.ઓ. એટલે કે ફરજ પરના ડોક્ટર ચેકઅપ કરે છે, દર્દીની બીમારીની હિસ્ટ્રી જાણે છે અને બીમારી મુજબ તેને તજજ્ઞ એટલે કે સ્પેશ્યાલિસ્ટ તબીબ પાસે બાજુના રૂમમાં રિફર કરવામાં આવે છે. આ મુજબ વિડીઓમાં જોવા મળતા પેટના દુઃખાવા સાથે આવેલા દર્દીને સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કરવામાં આવ્યા હતા. એટલે કે વિડીઓ રેકોર્ડ થયા પહેલા એક તબીબ તેમને ચેક કરી ચૂક્યા હતા અને સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર પાસે રિફર કર્યા હતા. સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર અન્ય દર્દીને બાજુના રૂમમાં ટાંકા લઈ રહ્યા હતા. વિડીઓ રેકોર્ડ કરનાર વ્યક્તિ દર્દીના સગા ન હતા, કોઈ ત્રાહિત વ્યક્તિ હતા. દર્દીને પેટના દુ:ખાવા એટલે કે સર્જરીનો કેસ હોવાથી સર્જન જ દર્દી તપાસી શકે છે. ડો.ધારિત્રી પરમારે વધુમાં કહ્યું કે, વિડીઓમાં બેઠેલા અન્ય તબીબો સર્જન ન હતા. જેથી ટાંકા લઈને સર્જન આવે ત્યાં સુધી રાહ જોવી જરૂરી હતી. આ દર્દીને ઈમરજન્સી સારવાર જરૂરી ન હતી જેથી સી.એમ.ઓ.ની તપાસ બાદ બેડ પર સૂવડાવ્યા હતા અને સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર આવે તેની રાહ જોવી જરૂરી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય તંત્રને બદનામ કરવાના ઈરાદે દર્દીને લઈ આવેલા ત્રાહિત વ્યક્તિએ વિડીઓ રેકોર્ડિંગ શરૂ કરી દીધું હતું. દર્દી ત્રણ વાગ્યે આવ્યા અને એક્સરે, સોનોગ્રાફીના રિપોર્ટ કરાવ્યા હતા અને રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ સારવાર પૂર્ણ કરાવી ચાર વાગ્યે જાતે જ ચાલીને ઘરે પરત ગયા હતા. વિડીઓ શૂટ કરનારે સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્રને બદનામ કરવાના આશયથી વિડીઓ વાયરલ કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આમ છતાં, ઘટનાની તપાસ કરવા માટે તપાસ કમિટી નિમાઈ છે અને રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર તેમજ ગેરવર્તણૂંક કરનાર સામે યોગ્ય કાર્યવાહી કરાશે તેમ જણાવાયુ હતું.