વાવ થરાદના લોદરાણી ગામે સિંચાઈના પાણી માટે ખેડૂતોનો વિરોધ

Featured Video Play Icon
Spread the love

વાવ થરાદના લોદરાણી ગામે સિંચાઈના પાણી માટે ખેડૂતોનો વિરોધ
નર્મદા કેનાલમાં પાણી નહીં મળતાં ખેડૂતોએ ઢોલ વગાડી વિરોધ નોંધાવ્યો
કેનાલની સાફ સફાઈ નહીં થતાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો

બનાસકાંઠાના સરહદી વિસ્તારનાં ગામોમાં સિંચાઈના પાણીની માંગ ઉગ્ર બની રહી છે. વાવ-થરાદના ધરણીધર તાલુકાના લોદરાણી ગામે નર્મદા કેનાલમાં પાણી નહીં છોડવામાં આવતાં ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારનાં ગામોમાં સિંચાઈના પાણીની માંગ માટે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં ખેડૂતોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. લોદરાણી ગામના ખેડૂતોએ ખાલી પડેલી નર્મદા કેનાલ પર ઢોલ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોની માંગ છે કે કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે, જેથી તેઓ પોતાના પાકને બચાવી શકે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કેનાલની સાફ-સફાઈ પણ કરવામાં આવી નથી. હવે લોદરાણી ગામના ખેડૂતોની એક જ માંગ છે કે નર્મદા વિભાગ તાત્કાલિક કેનાલની સાફ-સફાઈ કરાવે અને સિંચાઈ માટે પાણી છોડે, જેથી ખેડૂતોનો પાક બરબાદ થતો અટકે. .

બીજી તરફ, સિંચાઈ માટે પાણી ન મળતાં ખેતીની કામગીરી અટવાઈ પડી છે. ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ અને ખાતર ખરીદીને પાકનું વાવેતર કર્યું છે. હવે સમયસર પાણી નહીં મળે તો મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં નર્મદા વિભાગ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. પરિણામે ખેડૂતોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ખેડૂતોના આ અનોખા વિરોધ બાદ પણ તંત્ર ક્યારે જાગશે અને કેનાલમાં પાણી ક્યારે છોડશે તે જોવું રહ્યું…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *