માંડવી: હાઈવે નં. ૫૬ ના ડ્રોન સર્વે સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
સરકુઈ ગામે કામગીરી અટકાવી સાધનો કબજે લેવાયા
હાઈવે નંબર ૫૬ માટે થઈ રહેલા જમીન સંપાદનના વિરોધમાં માંડવી તાલુકાના ખેડૂતોએ હવે આરપારની લડાઈનું રણશિંગુ ફૂંક્યું છે. ગત તા. ૧૭/૧૧/૨૦૨૬ ના રોજ તાલુકાના સરકુઈ ગામે પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રોન સર્વેની કામગીરીનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી સર્વેની પ્રક્રિયાને સ્થળ પર જ અટકાવી દીધી હતી. મળતી માહિતી મુજબ,માંડવી તાલુકાના ખેડૂતો લાંબા સમયથી હાઈવે નંબર ૫૬ ના જમીન સંપાદનને ગેરકાયદેસર ગણાવી તેનો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન ૧૮ નવેમ્બરના રોજ પ્રશાસનની ટીમ સરકુઈ ગામે ડ્રોન દ્વારા સર્વે કરવા પહોંચતા જ ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા રોષે ભરાયેલા ખેડૂતોએ સર્વે કરી રહેલા અધિકારીઓને કામગીરી કરતા અટકાવ્યા હતા અને સર્વે માટે ઉપયોગમાં લેવાતા લેપટોપ તેમજ ડ્રોનના રિમોટ સહિતના સાધનો પોતાના કબજે લઈ લીધા હતા. આ ઘટના દરમિયાન ગામના અગ્રણી આગેવાનો દ્વારા હાઈવે ઓથોરિટીના અધિકારી સંજય શર્મા સાથે મોબાઈલ ફોન પર વાતચીત કરીને ખેડૂતોનો વિરોધ અને લાગણી રજૂ કરી હતી. ત્યારબાદ સ્થાનિક પ્રશાસન અને ખેડૂતો વચ્ચે થયેલી સમજાવટ અને સંવાદ બાદ મામલો થાળે પડ્યો હતો અને ખેડૂતોએ કબજે લીધેલો તમામ સામાન અધિકારીઓને પરત સોંપી દીધો હતો. જોકે,ખેડૂતોએ પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, **”કોઈ પણ ભોગે અમે અમારી મહામૂલી જમીન સંપાદન માટે આપવાના નથી….
