અમૂલ બાદ સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો
દૂધના વિવિધ પેકેટના ભાવમાં રૂ.1થી રૂ.6 સુધીનો વધારો
સુરત અને તાપીના મધ્યમ વર્ગના પરિવારો પર મોંઘવારીનો વધુ એક માર
સુરત અને તાપી જિલ્લાના સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો હોય તેમ અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના વેચાણ ભાવમાં વધારો કર્યો છે. દૂધના વિવિધ પેકેટના ભાવમાં 1થી લઈને 6 સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
સુરત અને તાપી જિલ્લાના લોકોને ચાની ચુસ્કીથી લઈને બાળકોના નાસ્તા સુધી હવે મોંઘવારીની સીધી અસર પડશે. અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો ઝીંક્યો છે. દૂધના અલગ-અલગ પેકેટમાં રૂ.1થી રૂ.6 સુધીનો ભાવવધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધના એક લિટરના પેકેટમાં રૂ.6નો વધારો થતાં ભાવ 78થી વધીને 84 થયો છે. જ્યારે ગોલ્ડ એક લિટર 72થી વધીને 76 થયું છે. 500 મિલીના ગોલ્ડના પેકેટનો ભાવ 36થી વધીને 38 થયો છે. તાજાના 500 મિલીના પેકેટમાં 2નો વધારો થતાં ભાવ 28થી 30 થયો છે. સ્લિમ એન્ડ ટ્રીમ 500 મિલી 26થી 27 અને 180 મિલી 10થી 11 થયું છે. શક્તિ 500 મિલીનો ભાવ 33થી વધીને 34 થયો છે. જ્યારે સુમુલ ગાયનું 500 મિલી દૂધ 30થી વધીને 32 થયું છે. સુરત અને તાપી જિલ્લામાં દરરોજ અંદાજે 12.50 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. ત્યારે દૂધના ભાવમાં થયેલા વધારાની સીધી અસર લાખો ગ્રાહકોના ઘરખર્ચ પર પડશે. બાળકો અને વૃદ્ધો માટે રોજ દૂધ ખરીદતા પરિવારોનું માસિક બજેટ પણ વધશે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા વચ્ચે દૂધ મોંઘું થતાં ગૃહિણીઓની ચિંતા વધી છે.
