અમરેલીના અડતાળા ગામમાં હુમલા બાદ પોલીસ એક્શન મોડમાં
પાણીના વિવાદમાં હુમલાની ઘટના બાદ પોલીસની મોટી કાર્યવાહી
મુખ્ય આરોપી જીતુ વાળાના ઘરે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું
અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો પર હુમલો થયો.
અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામમાં ઉપસરપંચ અને કોંગ્રેસ અગ્રણી જીતુ વાળાએ રિવોલ્વર અને ધોકા વડે મારામારી કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અડતાળા ગામમાં પાણી જેવી પ્રાથમિક સુવિધા અંગે રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો પર હુમલો અને મારામારી થઈ હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ગામના ઉપસરપંચ અને સ્થાનિક કોંગ્રેસ અગ્રણી જીતુ વાળાએ એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ધોકો રાખીને ગ્રામજનો સાથે મારામારી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ચકચારી ઘટનાને લઈને લાઠી પોલીસે જીતુ વાળા સહિત 5 શખ્સો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અડતાળા ગામમાં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ, તેમના પ્લોટમાં પાણી ન આવતું હોવાથી તેઓ આ સમસ્યાની રજૂઆત કરવા માટે ગામના ઉપસરપંચ જીતુ વાળા પાસે પહોંચ્યા હતા. રજૂઆત દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ગ્રામજનોએ એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે ફરિયાદ કરવા ગયા ત્યારે ઉપસરપંચે તેમની સાથે અપશબ્દો કહ્યા હતા અને ત્યારબાદ ધોકો તથા રિવોલ્વર લઈને મારવા માટે ધસી આવ્યા હતા. લાઠી પોલીસે જીતુ વાળા સહિત 5 સામે ગુનો નોંધી 3 આરોપીને ઝડપી પાડ્યા છે, જ્યારે 2 ફરાર છે. પોલીસે ઉપસરપંચના ઘરે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
