સુરતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડ્યો.
સામાન્ય વરસાદે ફરી મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી.
સામાન્ય વરસાદમાં જ અશ્વિનીકુમાર ગરનાળામાં પાણી ભરાયું.
સુરતમાં વહેલી સવારથી અચાનક જ શરૂ થયેલા ધોધમાર વરસાદે સુરત મહાનગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજાગરા ઉડાડી દીધા છે. સુરતમાં પડેલા વરસાદને લઈ અશ્વિનીકુમાર ગરનાળામાં તથા કતારગામ, ડભોલી, મોરાભાગળ વિસ્તારમાં પાણી ભરાવવાની વાતો સામે આવી હતી. જેને લઈ વાહન ચાલકો ભારે પરેશાન થયા હતાં.
સુરત પાલિકા દ્વારા ચોમાસા પહેલાં પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામા આવી છે અને આ કામગીરી યોગ્ય રીતે થાય તે માટે સતત મોનીટરીંગ પણ થઈ રહ્યું છે. પરંતુ અચાનક તુટી પડેલા વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સુરતમાં વહેલી સવારથી કમોસમી વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. સવારે પડેલા વરસાદના કારણે શહેરના મોરાભાગળ, ડભોલી સહિતના અનેક મુખ્ય રોડ પર વરસાદી પાણીનો ભરાવો થયો હોવાથી લોકોને નોકરી ધંધે જનારા લોકો માટે મુશ્કેલી ઉભી થઈ હતી. ચોમાસા દરમિયાન પાણીનો ભરાવો થાય તેવી રીતે આજે અનેક વિસ્તારમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. મેયરે થોડા દિવસ અગાઉ કરેલા દાવા પર પાણી ફરી વળ્યા હોય તેમ ઠેર ઠેર પાણી ભરાયા હતાં. પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા દરમિયાન આ વર્ષે કોઈ જગ્યાએ પાણીનો ભરાવો ન થાય તેવો દાવો કરવામા આવતો હતો. પરંતુ મોરા ભાગળ ચાર રસ્તા, ડભોલી હરી દર્શન ખાંચો, અશ્વિનિકુમાર ગરનાળા, કતારગામ સહિત શહેરના અનેક રોડ પર પાણીનો ભરાવો થયો છે. જેના કારણે વહેલી સવારે નોકરી ધંધે નિકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી.