સુરત શહેરમાં બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ
બે બાળક ભાગીને પોલીસ મથકે પહોંચ્યાં ને રેકેટનો પર્દાફાશ
પોલીસે 3 બાળક અને 2 સગીરને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા
સુરતમાં 17 કલાકના કામના માત્ર રૂ. 200 આપી માસૂમોનું શોષણ
સુરત શહેરમાં બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી 7 વર્ષના બાળકથી લઈ 17 વર્ષ સુધીના સગીરોને પુણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની વાત સામે આવી છે. પોલીસે કુલ 3 બાળક અને 2 સગીરને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ગોડાદરા પોલીસ મથકે 18 એપ્રિલની રાત્રે સાત-સાત વર્ષની વયનાં બે બાળક આવી ચઢ્યાં હતાં. ગભરાયેલા લાગતાં આ બંને બાળકની પોલીસ દ્વારા પૂછપરછ કરતા તેઓ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ગામના હોવાનું જણાવ્યું હતું. તેઓને ગામડેથી લાવી સુરતમાં સાડીની ગડી વાળવાના કારખાનામાં ગોંધી રાખી સતત 17 કલાક કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાનો પણ પોલીસ સમક્ષ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. બાદમાં ગોડાદરા પોલીસે બંને બાળકોને કતારગામમાં આવેલા ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટરમાં મોકલી આપ્યાં હતાં. સમગ્ર વિગત મળ્યાં બાદ બે દિવસ સુધી બાળકોને સાથે રાખી પગપાળા ચાલીને કારખાનું શોધી અન્ય એક બાળક અને બે સગીરને કારખાનેદારની ચુંગલમાંથી મુક્ત કરાવ્યાં હતાં.બાદમાં મહિલા સેલના એસીપી મિની જોસેફ બાળકો પાસે પહોંચ્યાં હતાં અને વિગતવાર પૂછપરછ કરતાં તેમણે વધુ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. પોતાની ઉપરાંત એક બાળક અને બે સગીરને પણ આ કારખાનેદારે ગોંધી રાખ્યા હોવાનું જણાવતાં, પોલીસે અલગ અલગ ટીમો બનાવી કારખાનું શોધવાનો નિર્ણય કર્યો હતો.બાળકોને કારખાનું તો યાદ હતું, પરંતુ તેઓ રાત્રે ભાગ્યાં હતાં અને ઘણું ચાલ્યા હોવાથી ચોક્કસ વિસ્તાર વિશે અજાણ હોવાનું જણાવ્યું હતું. બીજાં બાળકોને બચાવી શકાય તે માટે વરાછા, પુણા અને ગોડાદરા એમ ત્રણ પોલીસ મથકમાંથી મહિલા પીએસઆઇની આગેવાનીમાં ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ બે દિવસ બાળકોને લઇ પગપાળા ફરતી રહી હતી. ત્યારે 19 એપ્રિલના રોજ પુણા સીતારામ સોસાયટીની પાછળ બિલનાથ સોસાયટીમાં આવેલા કારખાના તરફ બાળકોએ આંગળી ચીંધી હતી.વરાછાની મહિલા સબ ઇન્સ્પેક્ટર એફ.એસ. ચૌધરીની ફરિયાદને આધારે પુણા પોલીસે આ મામલે ગુનો નોંધી કારખાનું ચલાવતા પ્રકાશ ભૂરીલાલ ભૂરિયાની ધરપકડ કરી હતી.