તાપી પોલીસને મોટી સફળતા
સોનગઢમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો,
પ્રેમ સંબંધમાં હત્યા કરનાર આરોપી ઝડપાયો
તાપી જિલ્લા પોલીસને સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી મહિલાની હત્યાના ગુનામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. માત્ર ચાર દિવસમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 06/06/2026ના રોજ સોનગઢ કિલ્લા નજીક ડેમ સાઇટ પાસે આવેલી ટેકરી પર સુમસામ વિસ્તારમાં મનિષાબેન ઉર્ફે ચકુ કેતનભાઈ રસિકભાઈ ધાનાણી (ઉ.વ. 36), મૂળ અમદાવાદ અને હાલ સોનગઢના પીપળ ફળિયામાં રહેતા હતા, તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. અજાણ્યા વ્યક્તિએ દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેમની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે મૃતક મહિલા સાથે તેના પ્રેમ સંબંધ હતા. મહિલાના અન્ય વ્યક્તિ સાથે પણ પ્રેમ સંબંધ હોવાની શંકા અને વહેમને કારણે તેણે ગુસ્સામાં આવી દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી હત્યા કરી હતી.
આ બનાવ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1) હેઠળ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ મહાનિરીક્ષક સુરત વિભાગ તથા તાપી જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અને નિઝર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના દેખરેખમાં સોનગઢ પોલીસ, એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો રચી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા ટેકનિકલ પુરાવા અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મહેશભાઈ દિલીપભાઈ ગામીત (ઉ.વ. 30), રહે. બેડવણ ખડકા ગામ, નિશાળ ફળિયું, તા. ઉકાઈ, જિ. તાપીને ઝડપી પાડ્યો હતો.
