સુરતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો
વિદ્યાર્થીઓમાં સેવા, સ્વચ્છતા અને રાષ્ટ્રભાવનાના મૂલ્યોને પ્રોત્સાહન
સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

સુરતમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સેવા, સ્વચ્છતા, સંકલ્પ અને રાષ્ટ્રભાવનાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોડદોડ રોડ પર આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર પ્રદર્શન તેમજ સુરત કોર્પોરેશન કક્ષાની રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.

સુરતમાં જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવાના રંગ, રાષ્ટ્રના સંગ થીમ પર વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોડદોડ રોડ પર આવેલ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, જ્યારે સુરતના મેયર માયાબેન માવાણી કાર્યક્રમના પ્રમુખસ્થાને રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી, સાંસદ મુકેશભાઈ દલાલ, સુરત મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર રાજકુમાર બેનીવાલ અને સુરત કલેક્ટર તેજસ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સુરત કોર્પોરેશન કક્ષાની રંગોળી સ્પર્ધામાં 450થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિકસિત ભારતની થીમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ રંગોળી અને ચિત્રોના માધ્યમથી પોતાના વિચારોને આકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળાના પરિસરમાં સર્જનાત્મકતાનો માહોલ સર્જાયો હતો. વક્તૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વિકાસ, સેવા, સ્વચ્છતા, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રભાવના જેવા વિષયો પર આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારો રજૂ કર્યા હતા. ચિત્ર, રંગોળી અને વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વિચારશક્તિ, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ કૌશલ્ય વિકસાવવાનું માધ્યમ બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *