નૌગામા ગામે જુગાર રમતા 8 ઝડપાયા, 4 ફરાર
અરેઠ ના તડકેશ્વર પોલીસે રૂ.3.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અરેઠ તાલુકાના તડકેશ્વર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા નૌગામા ગામની સીમમાં જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે છાપો મારી 8 જુગારીને રંગેહાથ ઝડપી પાડયા હતા. જ્યારે 4 શખ્સ ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ, મોબાઈલ અને વાહનો મળી રૂ.૩.૧૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ તડકેશ્વર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી હતી કે, અરેઠના નૌગામા સીમમાં વિજયભાઈ પટેલના ખેતર પાસે જાહેરમાં કેટલાક ઈસમો ગંજીપાના વડે તીનપત્તીનો હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે પંચોને સાથેરાખી ઓચિંતો દરોડો પાડયો હતો. પોલીસને જોતાં જ નાસભાગ દોડધામ મચી ગઈ હતી. જોકે, ટીમે ઘેરાબંધી કરી પંકજ ધનસુખ પટેલ, ગોમાન જેરામ પટેલ, સતીષ બળવંત પટેલ, અલ્પેશ ભીખા પટેલ, રાજુ ઈશ્વર પટેલ, શૈલેષ જશુ ચૌધરી, નાનુ સુકા પટેલ અને મુકેશ માધુ માહ્યાવંશી (તમામ રહે., નૌગામા) ને ઝડપી પાડયા હતા.બીજી તરફ સતીષ મફત પટેલ, નરેશ મહેન્દ્ર પટેલ, નિલેશ ધનસુખ પટેલ અને અંકિત રમેશ પટેલ સ્થળ પરથી ફરાર થઈ જતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. દરોડા દરમિયાન પોલીસે દાવ પરથી તેમજ અંગજડતીમાંથી રોકડા રૂ.19,290, રૂ.35,૦૦૦ની કિંમતના 7 નંગ મોબાઈલ ફોન તથા રૂ.2.65 લાખની કિંમતનાં 8 દ્વિચક્રી વાહનો મળી કુલ રૂ.3, 19, 290નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ PSI અજય રાઠોડ કરી રહ્યા છે..
