રાજ્યમાં આવતીકાલથી ઘટશે વરસાદનું જોર.

Featured Video Play Icon
Spread the love

રાજ્યમાં આવતીકાલથી ઘટશે વરસાદનું જોર.
રાજ્યમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય.
આજે સાર્વત્રિક વરસાદની છે આગાહી.

હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર અને સિઝનલ ટ્રફ સહિત 5 સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ છે. સુરતમાં સોમવારથી શરૂ થયેલો ધોધમાર વરસાદ મંગળવારે પણ યથાવત રહેતા સ્માર્ટ સિટીની સૂરત બગડી ચૂકી છે. શહેરમાં 36 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકતા ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર પૂરજોશમાં ખીલ્યું છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, રાજ્યમાં અત્યારે એકસાથે 5 જેટલી મજબૂત વરસાદી સિસ્ટમો સક્રિય થઈ ગઈ છે. જેમાં વેલમાર્ક લો પ્રેશર, સિઝનલ ટ્રફ અને ઓફ-શોર ટ્રફ જેવી સિસ્ટમનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ બુધવારે સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે.સુરત શહેરના રસ્તાઓ પર જ્યાં વાહનો દોડતા હતા ત્યાં આજે લોકોના રેસ્ક્યૂ માટે બોટ ચલાવવાની સ્થિતિ આવી ગઈ છે. શહેરના અનેક વિસ્તારો એવા છે કે, જ્યાં ઘરો અને દુકાનમાં પાણી ઘૂસી ગયા છે. શોપિંગ કોમ્પલેક્સ બેઝમેન્ટમાં પાણી ઘૂસી જતા મોટી સંખ્યામાં વાહનો ડૂબી ચૂક્યા છે. ગુજરાતમાં છેલ્લા 16 કલાકમાં 162 તાલુકામાં અવિરત વરસાદ નોંધાયો હતો, જેમાં 6 તાલુકામાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ વરસ્યો છે, જ્યારે કામરેજમાં 17 ઈંચ, નવસારીમાં 15 ઈંચ, સુરત શહેરમાં 13 ઈંચ, જલાલપોરમાં 11 ઈંચ અને કપરાડામાં 10 ઈંચ વરસાદ ખબાક્યો છે.

બુધવારે સક્રિય થયેલી સિસ્ટમોની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરીને એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ મુસળધાર વરસાદની સંભાવના છે. ભરૂચ, તાપી અને છોટાઉદેપુરમાં પણ તંત્રને સાબદું રહેવા સૂચના અપાઈ છે. દક્ષિણ ગુજરાતની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. રાજકોટ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં હળવા ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં સિઝનનો સરેરાશ વરસાદ જળવાઈ રહે તેવી આશા સેવાઈ રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *