મેઘરજમાં મહિલાને અજાણ્યા નંબર પરથી મેસેજ કરી વોટ્સ એપ પર હેરાનગતિ.
મહિલાનો ફોટો પ્રોફાઈલમાં મૂકી બ્લેકમેઈલ કરવાનો પ્રયાસ.
ફોટા વાયરલ કરી જાનથી મારી નાખવાની અપાઈ ધમકી.
અરવલ્લી જિલ્લામાં ટેકનોલોજીના દુરુપયોગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાને અજાણ્યા મોબાઈલ નંબર પરથી વોટ્સએપ મેસેજ મોકલીને સતત પરેશાન કરવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ હેરાનગતિની શરૂઆત માત્ર એક સાધારણ “Hi” મેસેજથી થઈ હતી. ત્યારબાદ આરોપીએ બિભત્સ પ્રેમ પ્રસ્તાવ મૂકીને મહિલા પર દબાણ વધાર્યું હતું. જ્યારે મહિલાએ તેનો વિરોધ કર્યો ત્યારે આરોપીએ ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું હતું.
અરવલ્લી જિલ્લામાં ટેકનોલોજીના દુરુપયોગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, આ કેસમાં આરોપીએ મહિલાની સંમતિ વગર તેનો ફોટો મેળવી લીધો હતો. આ શખ્સે મહિલાનો ફોટો પોતાના વોટ્સએપ પ્રોફાઈલ પર લગાવી દીધો હતો. આરોપી મહિલાને ડરાવવા માટે ફોટા વાયરલ કરવાની ધમકી આપતો હતો. પીડિતાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળતી હતી. આ બ્લેકમેલિંગના કારણે પીડિતા અને તેનો પરિવાર માનસિક તણાવમાં મુકાઈ ગયો હતો. મહિલાએ આ સમગ્ર કૃત્ય પાછળ રાજસ્થાનના એક યુવક પર શંકા વ્યક્ત કરી છે. શરૂઆતમાં આ ગંભીર મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી ન હતી. સ્થાનિક સ્તરે ન્યાય ન મળતા પીડિતાએ હિંમત હારી નહીં. તેમણે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ન્યાય માટે પીટિશન દાખલ કરી હતી. આયોગ સમક્ષ રજૂઆત કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. પીટિશનના 3 મહિના પછી આખરે કાયદેસરની કાર્યવાહી શક્ય બની છે. આ વિલંબ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા કરે છે.
પીડિતાની ફરિયાદના આધારે મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો છે. પોલીસે આઈટી એક્ટ અને ધમકીની કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ યુવક રાજસ્થાનનો હોવાથી પોલીસની એક ટીમ ત્યાં પણ તપાસ કરી શકે છે. સાયબર એક્સપર્ટ્સની મદદ લઈને આરોપીના લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. પોલીસ આ શખ્સને વહેલી તકે પકડવા માટે સઘન તજવીજ કરી રહી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
