સાવરકુંડલાના બાઢડા ગામનો યુવક સુરતથી પરિણીતાને ભગાડી ગયો

Featured Video Play Icon
Spread the love

સાવરકુંડલાના બાઢડા ગામનો યુવક સુરતથી પરિણીતાને ભગાડી ગયો
યુટ્યુબર તરુણ બાંભણીયાએ નિલેશને શોધી કાઢ્યો
નિલેશને શોધી કાઢી માફી મંગાવતો વીડિયો શૂટ કરી હત્યા કરી.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. સુરતમાં કડિયાકામ કરતો યુવક પરિણીતાને ભગાડી ગયો હતો. જે બાદ યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે તાજેતરમાં સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો, જેમાં યુટ્યુબર આ યુવક પાસે માફી મંગાવતો હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પોલીસે જાણીતા યુટ્યુબર સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના કરલા ગામના યુટ્યુબર તરુણ બાંભણીયાએ નિલેશને શોધી કાઢ્યો હતો. તરુણે નિલેશને નીચે બેસાડી, આહીર સમાજની દીકરીને ભગાડવા બદલ માફી મંગાવતો એક વીડિયો શૂટ કર્યો હતો. વીડિયોમાં યુવક બે હાથ જોડી સમાજની માફી માંગી રહ્યો હતો. યુટ્યુબર વીડિયોમાં કહી રહ્યો હતો કે, આ યુવકને 27 તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું જોકે, તે હાજર ન થતાં તેને અમદાવાદથી શોધી કાઢ્યો છે. સમાજની દીકરીને જે પણ ભગાડીને લઈ જશે તેને છોડવામાં આવશે નહીં. મૃતક યુવકની ઓળખ 26 વર્ષીય નિલેશ રમેશ ચુડાસમા તરીકે થઈ છે. નિલેશ સુરતમાં કડિયાકામ કરતો હતો અને આ દરમિયાન તેને આહીર સમાજની એક પરિણીત મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. નિલેશ આ મહિલાને ભગાડી ગયો હતો, જે વાતનું મનદુઃખ રાખીને આરોપીઓએ તેનું કાસળ કાઢી નાખવાનું કાવતરું ઘડ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાવરકુંડલાના DYSP વિરલ ચંદને જણાવ્યું હતું કે, પોલીસે મૃતદેહને કબજે કરી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલી આપ્યો છે. આ કેસમાં સાવરકુંડલા રૂરલ પોલીસે મુખ્ય ત્રણ આરોપીઓ યુટ્યુબર તરુણ બાંભણીયા, વિજય ઉર્ફે રાકેશ દાનાભાઈ નકુમ અને અમિત હડિયા (રહે. ઘાંડલા) સામે ગુનો નોંધ્યો છે.

વીડિયો વાયરલ થયાના થોડા જ સમય બાદ, સાવરકુંડલાના બાઢડા ગામમાં આવેલી વિરાણી હાઈસ્કૂલ પાછળની પડતર જગ્યામાંથી નિલેશની લાશ મળી આવી હતી. મૃતકના ભાઈ વિરલભાઈ ચુડાસમાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ નિલેશને કોઈ અજ્ઞાત સ્થળે લઈ જઈ હથિયારો અથવા અન્ય રીતે જીવલેણ માર મારી હત્યા કરી હતી અને ત્યારબાદ તેની લાશને બાઢડા ખાતે ફેંકીને નાસી છૂટ્યા હતા. પોલીસને શંકા છે કે, આ તપાસ દરમિયાન અન્ય કેટલાક નામો પણ ખુલી શકે છે. હાલમાં પી.એલ. ચૌધરી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના યુગમાં કાયદો હાથમાં લઈને વીડિયો વાયરલ કર્યા બાદ થયેલી આ હત્યાએ કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *