વડોદરા અને હાલોલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત.
લક્ઝરી બસ ટ્રક પાછળ ઘૂસી જતા દુર્ઘટના.
ભયંકર અકસ્માતમાં 7ના મોત.
વડોદરા હાલોલ રોડ પર સર્જાયેલા ભયાનક અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. ઊભેલી ટ્રક પાછળ લકઝરી બસ ઘૂસી જતા અનેક મુસાફરોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.
વડોદરા હાલોલ રોડ પર એક ગંભીર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી એક લકઝરી બસ ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને બસમાં મુસાફરી કરી રહેલા અનેક લોકો બસની અંદર જ ફસાઈ ગયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 12 જેટલા ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ અંગે તબીબી ટીમ સતત નજર રાખી રહી છે.
અકસ્માતની જાણ થતાં જ બચાવ કામગીરી માટે NDRF જરોદના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. NDRFની ટીમ દ્વારા બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે નુકસાનને કારણે બસના કેટલાક ભાગોને કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન જાણવા મળ્યું હતું કે કેટલાક મૃતદેહો પણ લકઝરી બસની અંદર ફસાયેલા હતા. NDRFના જવાનો દ્વારા અત્યંત સાવચેતી અને મહેનતપૂર્વક મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમો પણ પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવીને બચાવ કામગીરીમાં સહયોગ આપી રહી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
