બારડોલી પાલિકાની સામાન્ય સભા યોજાઈ
₹92.87 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું
બારડોલી: સ્થાનિક નગરપાલિકાના સભાખંડમાં આજે પ્રમુખના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આગામી નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સભામાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા ગહન ચર્ચા-વિચારણા બાદ ₹92.87 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
આ વર્ષના બજેટમાં નગરજનોની પાયાની જરૂરિયાતો અને શહેરના આધુનિકીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. કુલ ₹92.87 કરોડની અંદાજિત આવક સામે યોજનાકીય ખર્ચ માટે ₹69.96 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. આ બજેટમાં મુખ્યત્વે ગટર લાઇનના નેટવર્કનું વિસ્તરણ, વિવિધ વિસ્તારોમાં નવા સીસી રોડનું નિર્માણ અને પાણી પુરવઠાની વ્યવસ્થામાં સુધારા કરવા જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. અંતે ₹6.30 કરોડની પુરાંત સાથેનું આ બજેટ શહેરના વિકાસ માટે આશાસ્પદ જણાવાયું છે. સભા દરમિયાન અધ્યક્ષ સ્થાનેથી એક વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર દ્વારા પાલિકાને પાઠવવામાં આવેલા પત્રને ધ્યાને લઈ, બારડોલીમાં વર્ષોથી વસવાટ કરતા વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકોને ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’નો લાભ મળે તે માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી શહેરના આર્થિક રીતે નબળા વર્ગોને પોતાનું ઘર મેળવવામાં સરળતા રહેશે. બજેટની સાથે-સાથે સભામાં ગત ઓક્ટોબરથી ડિસેમ્બર માસના ત્રિમાસિક હિસાબોનું પણ વાંચન કરવામાં આવ્યું હતું. આવક અને જાવકના આંકડાઓ રજૂ કરીને વહીવટી પારદર્શકતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સભાના અંતે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આ બજેટ બારડોલીના નગરજનોને વધુ સુવિધાયુક્ત જીવન પ્રદાન કરવામાં માઈલસ્ટોન સાબિત થશે….
