દેશના કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ સોલાર સેક્ટરમાં ગંભીર કટોકટી
સાઉથ ગુજરાત સોલાર એસોસીએશને દાવો કર્યો
બિનજરૂરી ચાર્જિસના કારણે સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો
દેશના કોમર્શિયલ અને ઈન્ડસ્ટ્રિયલ સોલાર સેક્ટરમાં ગંભીર કટોકટી સર્જાઈ હોવાનું સાઉથ ગુજરાત સોલાર એસોસીએશને દાવો કર્યો છે. એસોસીએશને કહ્યુ હતુ કે સરકારની કેટલીક નીતિઓ, ગ્રીડ અવરોધો અને ડિસ્કોમ દ્વારા વસૂલવામાં આવતા બિનજરૂરી ચાર્જિસના કારણે સોલાર ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. આ મુદ્દે સરકાર સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરાઈ હતી.
સુરતમાં સાઉથ ગુજરાત સોલાર એસોસીએશને સોલાર ઉદ્યોગ સામે ઉભી થયેલી ગંભીર સમસ્યાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે. એસોસીએશનનું કહેવું છે કે ડીસીઆર અને એએલસીએમ જેવી નીતિઓના કારણે સોલાર પ્રોજેક્ટ્સના ખર્ચમાં 25 થી 30 ટકા સુધીનો વધારો થયો છે. સ્થાનિક સ્તરે હાઈ-એફિશિયન્સી સોલાર સેલના ઉત્પાદનની અછત હોવા છતાં ડીસીઆર નિયમો ફરજિયાત બનાવવામાં આવતા પ્રોજેક્ટ ડેવલપર્સ અને ઔદ્યોગિક ગ્રાહકો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. એસોસીએશનનો આક્ષેપ છે કે ગેટકો અને ડિસ્કોમ દ્વારા પીક અવર્સ દરમિયાન સોલાર પાવર જનરેશનમાં 60 થી 70 ટકા સુધીનો કાપ મૂકવામાં આવે છે. જેના કારણે કરોડો રૂપિયાનું રોકાણ કરનારા ઉદ્યોગકારોને ભારે નુકસાન સહન કરવું પડે છે. આ ઉપરાંત વીકએન્ડ દરમિયાન પૂર્વ સૂચના વગર થતા ગ્રીડ શટડાઉન અને બ્રેકડાઉન પણ ઉદ્યોગ માટે મોટી સમસ્યા બન્યા છે.
એસોસીએશને અગાઉથી નોટિસ અને વળતર વ્યવસ્થાની માંગ કરી છે. ડિજિટલ યુગમાં પણ મીટર રીડિંગના નામે આશરે પાંચ હજાર રૂપિયા જેટલા ચાર્જ વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે મોટાભાગના સોલાર પ્લાન્ટ પહેલેથી જ ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમથી સજ્જ છે. બિલિંગ પ્રક્રિયામાં વિલંબ, બેંકિંગ ગણતરીમાં ભૂલો અને અસ્પષ્ટ ફોર્મેટને કારણે રોકાણકારોમાં અસંતોષ વધી રહ્યો હોવાનું પણ એસોસીએશને જણાવ્યું છે. સાઉથ ગુજરાત સોલાર એસોસીએશનનું કહેવું છે કે કરોડો રૂપિયાના રોકાણ સાથે જોડાયેલા સોલાર પ્રોજેક્ટ્સ માટે લાંબા ગાળાની નીતિગત સ્થિરતા જરૂરી છે. સરકાર ગ્રાહકો અને ડેવલપર્સ સાથે ચર્ચા કર્યા બાદ જ નિર્ણયો લે અને મુખ્ય નીતિઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે સ્થિર રાખે તેવી માંગણી કરવામાં આવી છે.
