રાધનપુરના રાણાવાડામાં જમીન વિવાદમાં યુવકની હત્યા.

Featured Video Play Icon
Spread the love

રાધનપુરના રાણાવાડામાં જમીન વિવાદમાં યુવકની હત્યા.
જમીન વેચાણ મુદ્દે કૌટુંબિક વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.
કાકા અને કૌટુંબિક ભાઈએ તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો.

રાધનપુર પાટણ જિલ્લાના સમી તાલુકાના રણાવાડા ગામે કુટુંબી 3 વીઘા જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતે થયેલી તકરારનો કરુણ અંજામ આવ્યો છે. જમીન વેચાણ માટે સહી કરવાની ના પાડનાર નિકુલ પેથાભાઈ વાલ્મીકિ નામના યુવક પર લાકડી અને સાબેલા વડે જીવલેણ હુમલો કરવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.

મળતી વિગતો મુજબ તારીખ 27 ઓગસ્ટના રોજ બપોરે આશરે 2 વાગ્યાના અરસામાં નિકુલ પેથાભાઈ વાલ્મીકિ પોતાના કુટુંબી ભાઈઓના ઘરે ગયા હતા. ત્યાં કુટુંબી 3 વીઘા જમીન વેચવા અંગે ચર્ચા ચાલી રહી હતી. આ દરમિયાન નિકુલે જમીન વેચાણના દસ્તાવેજો પર સહી કરવાની સ્પષ્ટ ના પાડતા પરિવારજનો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા તમામ લોકો ઘરની બહાર આવી ગયા હતા. આ દરમિયાન નિકુલના મોટા બાપુ ઘેમરભાઈ પૂંજાભાઈ વાલ્મીકિ, કાકા મનુભાઈ પૂંજાભાઈ વાલ્મીકિ અને કુટુંબી ભાઈ અશોકભાઈ સોમાભાઈ વાલ્મીકિએ એકસંપ થઈ નિકુલ પર લાકડી અને સાબેલા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં નિકુલને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

હુમલા દરમિયાન નિકુલને બચાવવા માટે તેની માતા અને બહેન વચ્ચે પડ્યા હતા. જોકે, આરોપીઓએ તેમને પણ ગડદા-પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. સમી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જમીનના વેચાણ અંગે સહી કરવાની બાબતથી શરૂ થયેલો પારિવારિક વિવાદ હત્યા સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *