સુરતમાં હોટફિક્સ કચરાની સમસ્યા
આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ નોંધાવ્યો
મેયરના ઘર બહાર જ હોટફિક્સનો કચરો ઠાલવી વિરોધ
સુરતમાં હોટફિક્સ કચરાની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ આક્રમક વિરોધ નોંધાવ્યો હોય તેમ આપના નેતાઓએ મેયરના ઘર બહાર જ હોટફિક્સનો કચરો ઠાલવી પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતાં.
સુરતમાં છેલ્લા ઘણા સમયથી હોટફિક્સ કચરાની સમસ્યા ગંભીર બની હોવાના આક્ષેપો વચ્ચે આમ આદમી પાર્ટીએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. આપના નેતાઓ દ્વારા મેયરના વોર્ડની બાજુના વિસ્તારમાંથી હોટફિક્સનો કચરો ટ્રેક્ટરમાં ભરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ જ કચરો ટ્રેક્ટર મારફતે મેયરના ઘર બહાર લઈ જઈ ઠાલવી દેવામાં આવ્યો હતો. આપનો આક્ષેપ છે કે શહેરના અનેક રસ્તાઓ હોટફિક્સના કચરાના ઢગલાઓથી ગંદા થઈ રહ્યા છે, પરંતુ પાલિકા પાસે આ કચરાના યોગ્ય નિકાલ માટે પૂરતી વ્યવસ્થા નથી.
મેયરના ઘર બહાર કચરો ઠાલવી આપએ સવાલ કર્યો છે કે જો શહેરમાં હોટફિક્સ કચરાના નિકાલની વ્યવસ્થા નથી, તો સામાન્ય શહેરીજનોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે? હવે આ વિરોધ બાદ પાલિકા તંત્ર તરફથી શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
