નંદકુવરબા મહિલા કોલેજમાં બે દિવસીય નવરાત્રી મહોત્સવનો ભવ્ય પ્રારંભ
પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીનીઓએ ગરબે ઘૂમી
લાઈવ ઓર્કેસ્ટ્રાના તાલે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી
ભાવનગર : મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન દેવરાજનગર સ્થિત નંદકુવરબા મહિલા કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ના ઉપક્રમે બે દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રારંભે કોલેજની વિદ્યાર્થીનીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરાગત ગુજરાતી વેશભૂષામાં સજ્જ થઈ વિદ્યાર્થીનીઓએ લાઈવ ઓર્કેસ્ટ્રાના તાલે ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી.
નવરાત્રી એ ભારતીય સંસ્કૃતિ, પરંપરા, ભક્તિ અને શક્તિ ઉપાસનાનું પર્વ છે. આ પર્વના માધ્યમથી યુવા પેઢીને આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. કોલેજમાં આયોજિત આ મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી ચણિયાચોળી અને પરંપરાગત આભૂષણો સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. લાઈવ ઓર્કેસ્ટ્રાના સૂર અને તાલે સમગ્ર કોલેજ પરિસર નવરાત્રીના રંગે રંગાયું હતું. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવની ભાવના કેળવવા સાથે સામૂહિક સહભાગિતા, એકતા, શિસ્ત અને આનંદની લાગણી વિકસાવવાનો છે. અભ્યાસની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી વિદ્યાર્થીનીઓની આંતરિક પ્રતિભાને પ્રોત્સાહન મળે છે અને તેમનો સર્વાંગી વિકાસ થાય છે. રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા કરવામાં આવતા આવા કાર્યક્રમો વિદ્યાર્થીનીઓને સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવરાત્રી મહોત્સવના માધ્યમથી વિદ્યાર્થીનીઓએ પરંપરાગત ગરબાની સંસ્કૃતિને જીવંત રાખવાની સાથે ઉત્સવની ખુશી અને ઉમંગની અનુભૂતિ કરી હતી. આમ, નંદકુવરબા મહિલા કોલેજ ખાતે આયોજિત બે દિવસીય નવરાત્રી મહોત્સવ વિદ્યાર્થીનીઓ માટે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સુંદર સંગમ બની રહ્યો છે.
