સુરતના વેસુમાં કાર અને રિક્ષાનો ગમખ્વાર અકસ્માત
કારની ટક્કર વાગતા રિક્ષા ફંગોળાઈ ડિવાઈડર સાથે અથડાઈ
ડિવાઈડર સાથે અથડાતા મુસાફરો ભરેલી રિક્ષા પલટી
રિક્ષા પલટી મારતા દોઢ વર્ષીય બાળકીનું મોત
સુરતના વેસુ ઝોલી ચાર રસ્તા પર શનિવારે દુઃખદ ઘટના ઘટી. મૂવી જોવા નીકળેલા 21 વર્ષીય કારચાલકે ઓટોરિક્ષાને ધડાકાભેર ટક્કર મારતાં દોઢ વર્ષની માસૂમ વિધવતનું કરુણ મોત થયું અને અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ સમગ્ર ઘટનાના હચમચાવતાં દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. અકસ્માત બાદ લોકો દ્વારા કારચાલકને પકડી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.
સુરતના આઝાદનગર વિસ્તારમાં રહેતા યોગેશ નિકાળજે કલર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં પત્ની અને એક સંતાન છે. તેની પત્ની રાધિકા વેસુ વિસ્તારમાં મોલમાં સફાઈ કામ કરતી છે. આજ રોજ રાધિકા પોતાની દોઢ વર્ષની પુત્ર વિધવતને સાથે રાખીને ઓટોરિક્ષામાં કામ પર જઈ રહી હતી. ઓટોરિક્ષામાં અન્ય ચાર મુસાફરો પણ સવાર હતા ત્યારે વેસુ ઝોલી ચાર રસ્તા પાસેથી ઓટોરિક્ષા પસાર થઈ રહી હતી. એ સમયે ન્યૂ વીઆઈપી રોડ તરફથી આવી રહેલી કાર પાછળથી ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે ઓટોરિક્ષા પલટી ખાઈ હતી.આ અકસ્માતમાં વિધવતને ગંભીર ઈજાઓ પહોંચી અને હોસ્પિટલ પહોંચતાં પહેલાં જ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બાકીના ચાર ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો છે. વેસુ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.આ ઘટનાની જાણ થતાં વેસુ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે કાર ડીટેઇન કરી અને ચાલકની ધરપકડ કરી હતી.