બનાસકાંઠાના ઇલબાલગઢમાં 10 શિકારીઓ હથિયારો સાથે ઝડપાયા
ફોરેસ્ટ રેન્જમાં બંદૂકો સાથે શિકાર કરતા હતા શિકારીઓ
શિકારીઓની 14 ટુકડીમાંથી 10 ઝડપાયા 4 ફરાર
બનાસકાંઠા જિલ્લાની ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં વન્યજીવોના શિકારનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. વન વિભાગે ગેરકાયદેસર રીતે શિકાર કરવા નીકળેલા 14 શિકારીઓની ટુકડીમાંથી હથિયારો સાથે 10 શિકારીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 4 શિકારીઓ ફરાર થવામાં સફળ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર 14 શિકારીઓની એક ટુકડી બંદૂકો લઈને જંગલ વિસ્તારમાં વન્યજીવોનો શિકાર કરવા નીકળી હતી. આ શિકારીઓએ એક નીલગાયનો શિકાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, તેઓ વધુ વન્યજીવોનો શિકાર કરે તે પહેલાં જ ઇકબાલગઢ ફોરેસ્ટ વિભાગની ટીમે સઘન પેટ્રોલિંગ દરમિયાન તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 10 આરોપીઓ પકડાઈ ગયા હતા. વન વિભાગ દ્વારા ઝડપાયેલા શિકારીઓ પાસેથી કુલ 5 બંદૂકો જપ્ત કરવામાં આવી છે. આ હથિયારોની તપાસ કરતા મોટો ખુલાસો થયો છે કે જપ્ત કરાયેલી 5 બંદૂકોમાંથી 4 બંદૂકો લાયસન્સ વિનાની હતી. આ મામલે વન વિભાગે ગેરકાયદેસર શિકાર એટલેકે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ અને ગેરકાયદેસર હથિયારો રાખવા બદલ અર્મ્સ એક્ટ હેઠળ તમામ આરોપીઓ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધી છે.
બનાસકાંઠા જિલ્લાની ઇકબાલગઢ ફોરેસ્ટ રેન્જમાં ઝડપાયેલા તમામ 10 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે તેમને જેલના સળિયા પાછળ મોકલી આપવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ, ફરાર થઈ ગયેલા અન્ય 4 શિકારીઓને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા હાલમાં સઘન તજવીજ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ શિકાર પ્રવૃત્તિમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
