સુરતમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ એક્શનમાં
કતારગામના વેડ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો
લારીઓ અને ગલ્લાઓ દૂર કરી જપ્ત કરવામાં આવ્યા
સુરતમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. કતારગામના વેડ રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને પાલિકાની સંયુક્ત કામગીરી દરમિયાન રસ્તા પર ઉભી કરાયેલ લારીઓ અને ગલ્લાઓ દૂર કરી જપ્ત કરવામાં આવ્યા હતાં.
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેના ભાગરૂપે કતારગામ વેડ રોડ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને પાલિકાની ટીમે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન રસ્તાને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર લારી-ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા હતા તેમજ કેટલાક લારીઓ અને ગલ્લાઓ પાલિકાની ટીમ દ્વારા જપ્ત પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પણ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ કામગીરીને કારણે વેડ રોડ પર ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારૂ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
