સુરત કલેકટરને આપ દ્વારા આવેદનપત્ર અપાઈ
આપ દ્વારા રાંઘણ ગેસનો ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી
મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી: પાયલ સાકરિયા
૨ દિવસ પહેલા રાંધણ ગેસના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજે સુરત આમ આદમી પાર્ટી દ્વારા રાંઘણ ગેસનો ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી છે. કલેકટરને આવેદનપત્ર આપી મોંઘવારીના સમયમાં લોકોને રાહત મળે તેવી માંગ કરાઈ છે.
આવેદન આપવા આવેલા વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયાએ જણાવ્યું હતું કે , કેન્દ્ર સરકાર દ્વારા રાંઘણ ગેસના ભાવમાં એક સાથે ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે હાલ દેશમાં મંદીનો માહોલ છે જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની આર્થિક સ્થિતિ કથળી રહી છે ત્યારે હવે ગેસના બાટલાના ભાવમાં વધારો થવાથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પરેશાન થઇ જશે ત્યારે તાત્કાલિક ધોરણે આ ભાવ વધારો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ સાથે ભાજપ સામે આક્રોશ વ્યક્ત કરતા આપ પાર્ટીએ જણાવ્યું હતું કે , ભાજપે ચૂંટણી સમયે ગુજરાતના લોકોને પણ સબસીડી વાળા સસ્તા ગેસના બાટલા મળે અને વર્ષે દિવાળી – હોળી જેવા તહેવારોના સમયમાં ગેસમાં બાટલા ફીમાં મળે તેવી જાહેરાત કરી હતી એ જાહેરાત પ્રમાણે પણ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.