ગળા પરનું ટેટૂ સીસીટીવીમાં કેદ થતા ઝડપાયો
સુરતમાં રીઢો ચોર સીએની ઓફિસમાં ઘૂસ્યો,
કંઈ હાથ નહી લાગતા આગ ચાંપી દીધી,
બધું સળગી જતા 7 લાખનું નુકસાન થયું
સુરતમાં વેસુના ઓફેરા બિઝનેસ હબમાં એસ.એસ.એમ્યુ એન્ડ કંપની નામની CAની ઓફિસમાં આગ લાગવાની ઘટનામાં અજાણ્યો યુવાન મધરાત્રે ઓફિસમાં ઘૂસ્યો અને આગ લગાવતા નજરે પડતા અલથાણા પોલીસે અજાણ્યા યુવાન વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં રીઢા ચોરનું કારસ્તાન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સીસીટીવીમાં ચોરના ગળા પર રહેલા ટેટુના આધારે તેને ઝડપી પાડ્યો હતો.
સુરતના વેસુ વીઆઈપી રોડ સ્થિત ભગવાન મહાવીર કોલેજ નજીક ઓફેરા બિઝનેસ હબમાં એસ.એસ.એમ્યુ એન્ડ કંપની નામે સી.એ તરીકેની ઓફિસ ધરાવતા સુનીલ મદનમોહન મહેશ્વરીની ઓફિસમાં ગત 20 માર્ચની રાતે અચાનક આગ લાગી હતી. આગમાં કોમ્પ્યુટર સિસ્ટમ, કસ્ટમરની ફાઈલ, એર કંડીશનર તથા ફર્નિચર સહિત તમામ વસ્તુ બળી જતા અંદાજે 7 લાખનું નુકસાન થયું હતું.કોમ્પ્લેક્સના વોચમેને કંટ્રોલ રૂમમાં ફોન કરતા ફાયરના લાશ્કરો ધસી આવ્યા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો અને જે તે વખતે સુનીલ મહેશ્વરીએ અલથાણ પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે અલથાણ પોલીસે હાથ ધરેલી તપાસ અંતર્ગત સીસીટીવીમાં એક અજાણ્યો વ્યક્તિ 20 માર્ચ બાદ એટલે કે 21 માર્ચના રોજ રાતના સમયે ઓફિસમાં આગ લગાડતા નજરે પડયો હતો. અજાણ્યા શખસ વિરૂધ્ધ અલથાણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત અલથાણ વિસ્તારમાં લાખ્ખોની ચોરીમાં અગાઉ પકડાય ચુકેલા વિમલસીંગ ઉર્ફે ભોલાસીંગ મહેન્દ્રસીંગ ઠાકુરએ ચોરી કરવા ધૂસ્યા બાદ આગ લગાવ્યાનું બહાર આવ્યું હતું. પોલીસે સીસીટીવીમાં આ અજાણ્યા યુવકના ગળા પર રહેલા ટેટુના આધારે તેની ઓળખ કરી હતી અને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.