સોશિયલ મીડિયા પર સસ્તા સોના-ચાંદીના દાગીના ખરીદતા ચેતી જજો
વરાછામાં 9 કેરેટ ગોલ્ડના નામે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો
ગોલ્ડની રિંગ ખરીદ્યા બાદ ચાંદીની નીકળતા ફરિયાદ
સોશિયલ મીડિયા પર સસ્તા સોના-ચાંદીના દાગીનાની જાહેરાત જોઈને ખરીદી કરતા લોકો ચેતી જજો. કારણ કે સુરતના વરાછામાં 9 કેરેટ ગોલ્ડના નામે ખરીદેલી રિંગ ચાંદીની નીકળતા છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ગ્રાહકની ફરિયાદ બાદ વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના વરાછામાં સસ્તા ભાવે 9 કેરેટ ગોલ્ડના દાગીના મળવાની જાહેરાત જોઈને ખરીદી કરનાર જસ્મીન કથિરિયા સાથે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જસ્મીન કથીરિયાએ શો રૂમમાંથી 3,296 રૂપિયામાં 9 કેરેટ વાઇટ ગોલ્ડની રિંગ ખરીદી હતી. જોકે તપાસ દરમિયાન આ રિંગમાં એક કેરેટ પણ સોનું ન હોવાનું સામે આવ્યું હતું. માત્ર રિંગ જ નહીં, પરંતુ 92.5 ટકા સ્ટર્લિંગ સિલ્વર હોવાનું કહીને 92,700 રૂપિયામાં વેચાયેલા ચાંદીના જુડામાં પણ વાસ્તવિક ચાંદી માત્ર 51 ટકા હોવાનું લેબોરેટરી રિપોર્ટમાં સામે આવ્યું હતું. બે અધિકૃત હોલમાર્કિંગ સેન્ટરના લેબોરેટરી રિપોર્ટમાં દાગીનામાં આશરે 41 ટકા જેટલી હલકી ધાતુઓની મિલાવટ હોવાનો ખુલાસો થયો થયો હતો. આ ઉપરાંત જુડામાં જડેલા સ્ટોનનું વજન પણ ચાંદીના વજનમાં ગણવામાં આવ્યું અને ગ્રાહક પાસેથી 100 ટકા શુદ્ધ ચાંદીના ભાવ વસૂલાયો હતો. જેને લઈ સમગ્ર મામલે શો રૂમ સંચાલક જિગર માણિયા સામે જસ્મીન કથીરિયાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
