નવસારી જિલ્લાના વેસ્મા ગામે રક્ષારથનું ભવ્ય સ્વાગત
શિરડીથી નીકળેલા વિશેષ રક્ષારથનું ભવ્ય સ્વાગત
નવસારી જિલ્લાના વેસ્મા ગામે શિરડીથી નીકળેલા વિશેષ રક્ષારથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશની સરહદો પર ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવાના હેતુથી આ રથ ‘એક રાખી જવાનો કે નામ’ અભિયાન અંતર્ગત વેસ્મા પહોંચ્યો હતો. સંજીવની યુવા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં માધ્યમિક શિક્ષણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પુષ્પવર્ષા કરી અને દેશભક્તિના નારા લગાવ્યા હતા.
સંજીવની યુવા પ્રતિષ્ઠાનના પ્રતિનિધિ માહિતી આપી હતી કે આ રક્ષારથ ૨૦ ઑગસ્ટના રોજ શિરડીથી પ્રસ્થાન પામ્યો છે. શિરડી સ્થિત સાંઈબાબાની પવિત્ર સમાધિને પ્રથમ રાખડી સ્પર્શ કરાવીને આ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન ધારાસભ્ય વિવેકજી કોલ્હેના માર્ગદર્શન હેઠળ છેલ્લા પાંચ વર્ષથી સફળતાપૂર્વક યોજવામાં આવે છે અને આ તેનું છઠ્ઠું વર્ષ છે. આ વર્ષે રક્ષારથ કચ્છ-ભુજ બોર્ડર પર તૈનાત BSFના જવાનો માટે દેશભરમાંથી એકત્ર કરાયેલી રાખડીઓ લઈને જઈ રહ્યો છે. આ રાખડીઓ જવાનો સુધી દેશવાસીઓનો પ્રેમ, રક્ષા અને વિશ્વાસનો દોરો પહોંચાડશે.
ગત વર્ષે આ રક્ષારથ શ્રીનગર ગયો હતો, જ્યાં 6 રાજ્યોમાંથી પસાર થતાં 300થી વધુ સ્થળોએ નાગરિકોએ રાખડીઓ અર્પણ કરી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માઇનસ ડિગ્રી તાપમાન કે આકરી ઋતુમાં તહેવારો છોડીને સરહદનું રક્ષણ કરતા જવાનો સુધી દેશવાસીઓનો પ્રેમ પહોંચાડવાનો અને યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના જગાડવાનો છે. માધ્યમિક શિક્ષણ વિદ્યાલય વેસ્માના આચાર્ય આ પ્રસંગે જણાવ્યું હતું કે, શાળા પરિસર માટે આ ગૌરવની ક્ષણ છે કે રક્ષારથે અહીં વિરામ લીધો. સરહદ પર દેશનું રક્ષણ કરતા જવાનો માટે રાખડીઓ લઈને જતો આ રથ વિદ્યાર્થીઓ માટે દેશસેવાની જીવંત પ્રેરણા બન્યો છે.
