સુરત શહેરમાં શ્રીજીના આગમનની ધૂમ મચી ગઈ
ગણેશ ચતુર્થીને હજુ દોઢ મહિનો બાકી
શ્રીજીની ઝલક મેળવવા ગણેશભક્તો ઉમટી પડ્યા
ગણેશ ચતુર્થીને હજુ દોઢ મહિનો બાકી છે, ત્યારે જ સુરત શહેરમાં શ્રીજીના આગમનની ધૂમ મચી ગઈ છે. ઘોડદોડ રોડના રામચોક ખાતે સરકાર ગ્રુપના શ્રીજીના ભવ્ય આગમનનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 વર્ષ જૂની પરંપરા મુજબ યોજાયેલી આ આગમન યાત્રામાં શ્રીજીની એક ઝલક મેળવવા હજારોની સંખ્યામાં ગણેશભક્તો ઉમટી પડ્યા હતાં.
સુરત શહેરમાં ગણેશ ચતુર્થી પહેલાં જ ગણપતિ બાપ્પાના આગમનની ધૂમ જોવા મળી હતી. 23 ઓગસ્ટની રાત્રે ઘોડદોડ રોડના રામચોક ખાતે સરકાર ગ્રુપના શ્રીજીના ભવ્ય આગમનનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ શ્રીજીનું ભવ્ય સ્વરૂપે આગમન કરાવવામાં આવ્યું હતું. શ્રીજીના આગમનની એક ઝલક મેળવવા માટે સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી હજારો ગણેશભક્તો રામચોક ખાતે પહોંચ્યા હતા. ઢોલ-નગારાના નાદ સાથે ગણપતિ બાપ્પાના જયઘોષથી સમગ્ર ઘોડદોડ રોડ ગુંજી ઉઠ્યો હતો.
ભવ્ય આગમન યાત્રા ઘોડદોડ રોડથી સિટી લાઈટ વિસ્તાર સુધી પહોંચી હતી, જ્યાં ભક્તોએ ભારે ઉત્સાહ અને ભક્તિભાવ સાથે શ્રીજીનું સ્વાગત કર્યું હતું. આ સમગ્ર નજારો એવો હતો કે જાણે ગણેશ ચતુર્થી પહેલાં જ આખું સુરત ગણેશમય બની ગયું હતું. હવે ગણેશ ચતુર્થીના પાવન દિવસે સિટી લાઈટ ખાતે શ્રીજીની વિધિવત્ સ્થાપના કરવામાં આવશે. બાપ્પાના આગમન સાથે જ સુરતમાં ગણેશોત્સવનો ઉત્સાહ શરૂ થઈ ગયો છે.
