હિંમતનગરની જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલ સામે દર્દીના પરિવારના ગંભીર આક્ષેપ
હોસ્પિટલમાં 5 વર્ષના બાળકની 22 દિવસ પહેલા સર્જરી કરવામાં આવી
સાડા પાંચ વર્ષીય બાળકની સર્જરી બાદથી તબિયત લથડી
સાબરકાંઠાના હિંમતનગરમાં જીએમઇઆરએસ સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
હિંમતનગરમાં GMERS સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવતા પરિવારે કહ્યું હતું કે સાડા પાંચ વર્ષીય બાળકની સર્જરી બાદથી તબિયત લથડી છે. તમને જણાવી દઈએ કે બાળકના ગુપ્તાંગ ભાગે સામાન્ય સર્જરી બાદ તેને અમદાવાદ ખસેડાયું છે. બાળકને સર્જરી બાદથી તબિયત વધુ લથડી છે અને છેલ્લા 20 કરતા વધુ દિવસોથી બાળક બેભાન અવસ્થામાં છે. બાળકના પરિવારે સિવિલ હોસ્પિટલમાં રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકની સારવારમાં બેદરકારીને પગલે પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની બેદરકારીને પગલે સાડા પાંચ વર્ષીય હર્ષરાજસિંહ ઝાલા નામના બાળકની હાલત ગંભીર છે. હાલમાં પરિવારે બાળકને હિંમતનગર સિવિલ બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યું છે. ત્યારે બાળકના પરિવારે જિલ્લા આરોગ્ય, પોલીસ સહિત સિવિલ તંત્રને લેખિત રજૂઆત કરી છે.
સિવિલ હોસ્પિટલમાં સર્જરી પહેલા બાળક સ્વસ્થ હતું પણ સર્જરી બાદ છેલ્લા 20 કરતા વધુ દિવસોથી બાળક બેભાન અવસ્થામાં છે. તલોદના જેઠાજીના મુવાડા ગામનો પરિવાર દીકરાની સારવાર અર્થે હિંમતનગર આવ્યો હતો. જો કે હવે પરિવારે બેદરકારી દાખવનારા તબીબો સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અવારનવાર બેદરકારીના દ્રશ્યો સામે આવતા હોય છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
