રાજકોટ માધવ માર્કેટિંગ નામના ગોડાઉનમાં આગ
નવાગામમાં આવેલ ગોડાઉનામાં લાગી આગ
રાજકોટ શહેરના નવાગામ વિસ્તારમાં આવેલ માધવ માર્કેટિંગ નામના એક ગોડાઉનમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં તાત્કાલિક રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાંબી જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના ઘાઈ નથી, પરંતુ ગોડાઉનમાં રાખેલો માલસામાન બળીને ખાખ થઈ જતાં વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
પ્રાપ્ત વિગત મુજબ, નવાગામ સ્થિત માધવ માર્કેટિંગનું ગોડાઉન વિવિધ પ્રકારના માલસામાનના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતું હતું. આજે મંગળવારે વહેલી સવારે લગભગ 4:00 વાગ્યાની આસપાસ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા અને આગની જ્વાળાઓ દેખાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ત્યાર બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉનની અંદરનો માલસામાન ઝડપથી સળગવા લાગ્યો હતો. ગોડાઉનમાં પ્લાસ્ટિક, કાગળ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓ હોવાને કારણે આગે થોડી જ વારમાં આખા ગોડાઉનને ઝપેટમાં લઈ લીધું હતું. સમગ્ર ઘટના અંગેની વિગતો આપતા સ્ટેશન ફાયર ઓફિસર રહીમ જોબને જણાવ્યું હતું કે, અમને વહેલી સવારે લગભગ 4:00 વાગ્યે નવાગામ વિસ્તારમાં આવેલા માધવ માર્કેટિંગ ગોડાઉનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. તાત્કાલિક ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આગ ઘણી મોટી હતી અને ગોડાઉનની અંદર રાખેલો મોટા ભાગનો માલસામાન સળગી રહ્યો હતો. અમારા જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને અને ગોડાઉનની દીવાલ તોડીને અંદર પ્રવેશ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ ફાયર બ્રિગેડની 5 થી 6 જેટલી ગાડીઓ અલગ-અલગ ફાયર સ્ટેશન પરથી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
ફાયર બ્રિગેડની ટીમે યુદ્ધના ધોરણે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સાંકડા રસ્તાઓ અને ધુમાડાના કારણે ફાયર ફાઈટર્સને કામગીરીમાં થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ તેમની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે આગને અન્ય આસપાસના એકમોમાં ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. અને ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને લગભગ 2 કલાકથી વધુ જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને કૂલિંગ ઓપરેશન શરૂ કર્યું હતું….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
