ભાવનગરના કુંભારવાડામાં સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ બાદ આગ
મિલની ચાલી વિસ્તારમાં ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલ તોડતી વખતે દુર્ઘટના
બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતાં 8 લોકો દાઝ્યા
તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
પોલીસ ઘટનાસ્થળે પહોંચી, આગ લાગવાનું કારણ જાણવા તપાસ શરૂ કરી રહી છે
ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં મિલની ચાલીમાં સ્ક્રેપમાં આવેલી સ્પ્રેની બોટલ તોડતી સમયે બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળતા 8 લોકો દાઝી ગયા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો બીજી તરફ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે
અને આ બનાવ કઈ રીતે બન્યો તેની તપાસ શરૂ કરી છે. પ્રત્યક્ષદર્શીએ કહ્યું હતું કે, ભંગારમાં આવેલી સ્પ્રેની બોટલ તોડવાનું કામ ચાલી રહ્યું હતું. આ સમયે જ એક બોટલ તોડતી સમયે અચાનક બ્લાસ્ટ થયો અને આગ ફાટી નીકળી હતી. જેના કારણે આસપાસ હાજર રહેલા લોકો સળગવા લાગતા દોડધામ મચી હતી. પાડોશી અને પ્રત્યક્ષદર્શી કમુબેને આ ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, “એ લોકો ભંગારની ફેરી કરે છે. ભંગારમાં પેલી અત્તરની બાટલીઓ (સ્પ્રેની બોટલો) આવે છે, તે બધા થેલો ભરીને લાવ્યા હતા. તે બાટલીઓની અંદર લોખંડના બૂચ આવે, એ લોખંડના બૂચ કાઢવા માટે તે હથોડી વડે ફોડતો હતો અને ટીન-ટીન અલગ કરતો હતો. તે દરમિયાન અચાનક અંદર તણખો કે હવાનો પ્રવેશ થતાં ભડકા થયા અને બધી બાટલીઓમાં આગ લાગી ગઈ તથા બધું ઉડવા માંડ્યું. આખા વાસમાં બધાને એમ થયું કે, કોઈએ બોમ્બ નાખ્યો છે એટલે બધા દોડી-દોડીને છોકરાઓ લઈને ભાગવા માંડ્યા. પેલા બિચારા છોકરાઓ સળગતી હાલતમાં ભાગતા-ભાગતા બહાર આવતા હતા. અમે પાણી નાખી-નાખીને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો પણ બિચારા ઓલવી ન શક્યા. દાઝેલા લોકો ભાગી-ભાગીને વાસમાં પડવા માંડ્યા, જેથી વાસના લોકો પણ ગભરાઈને ભાગવા લાગ્યા હતા. આ બનાવ મિલની ચાલીમાં અમારા ઘરની બાજુમાં જ બન્યો છે. તેઓ અમારા પાડોશી જ છે. સાંજે પાંચ-સાડા પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં લગભગ નવ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.એક જ પરિવારના 7-8 લોકો દાઝ્યા ઈજાગ્રસ્ત યુવક સાહિલે ઘટના અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અમે લોકો એલ્યુમિનિયમની પેલી અત્તરની (સ્પ્રેની) બાટલીઓ આવે તે ફોડતા હતા અને તેમાંથી હવા તથા ગેસ કાઢતા હતા. તે દરમિયાન અચાનક તેમાં ભડકો થયો, જોકે આ ભડકો કઈ રીતે થયો તેની અમને કોઈ ખબર પડી નહીં. આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં કંચનબેન દિલીપભાઈ ચાભાડીયા, કમલબેન સોહીલભાઈ મેરિયા, નિહાર દલપતભાઈ ચીભાડીયા, રોહિત કિશનભાઈ ચીભાડીયા, દિલીપભાઈ લાલજીભાઈ દેવીપૂજક, નંદની કિશનભાઈ ચીભડિયા અને સાહીલભાઈ વલ્લભભાઈ ચીભડીયાનો સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર હાથ ધરવામાં આવી રહી છે.ફાયર ઓફિસર યશ મોઢે જણાવ્યું કે, “ભાવનગર ફાયર કંટ્રોલ રૂમ ખાતે 4.44 કલાકે અમને કોલ મળ્યો હતો કે, કુંભારવાડા વિસ્તારમાં મિલની શેરી નંબર-3 ખાતે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગી છે. જે ઘટનાને ધ્યાને લઈ અમારા હેડક્વાર્ટર ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. ત્યારબાદ ટેલિફોનિક માધ્યમથી અહીંયાના ચંદ્રદીપભાઈ બાબરીયા નામના વ્યક્તિ દ્વારા અમને કોલમાં જણાવ્યું હતું કે, આગમાં જે અહીંના લોકલ હતા તેઓ દાઝેલા હતા અને જેઓને 108 મારફતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. ત્યારબાદ ફાયર ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે હાલ તો કોઈ ફ્લેમ (આગની જ્વાળાઓ) કે એવું કંઈ જાણવા મળ્યું નથી, પરંતુ જે સ્પ્રેની બોટલો હતી એમાં કોઈ કામગીરી દરમિયાન બ્લાસ્ટ થયો હોવાનું જણાયેલ છે અને જેના કારણે આ બધા વ્યક્તિઓ દાઝેલા છે. ઘટનાસ્થળે જ્યારે અમારી ગાડી સ્ટેશનથી રવાના થઈ ત્યારે કુંભારવાડાનું જે ફાટક છે ત્યાં ટ્રેન આવવાના કારણે ફાટક બંધ હતું અને જેના કારણે અમારે પહોંચવામાં 15 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો હતો. અમે રેલવેમાં પણ જાણ કરી હતી અને ત્યાં જે લોકલ સ્થાનિક રેલવેના કર્મચારીઓ હોય એમને પણ અમે ત્યાં વાત કરી કે ભાઈ અમારી ઇમરજન્સી છે તેમ છતાં ત્યાં કોઈ કાર્યવાહી થઈ ન હતી
