પીએમ મોદી 25 ઓગસ્ટે અમદાવાદ આવશે
5477 કરોડના કામો ગુજરાતની ભેટ આપશે
નિકોલમાં પીએમ મોદી સભાને સંબોધશે અને રોડ શો કરશે
પીએમ મોદી 25 ઓગસ્ટે અમદાવાદ પધારી રહ્યા છે. નિકોલ વિસ્તારમાં જાહેરસભા ઉપરાંત તેઓ 1.6 કિમીનો રોડ શો પણ યોજશે. બપોરે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ વડાપ્રધાન હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે. ત્યારબાદ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધશે. તેમના રોડ શો અને સભામાં એક લાખ લોકો એકત્રિત થવાનો અંદાજ છે.
પીએમ મોદીની મુલાકાતના કાર્યક્રમમાં 25 મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં ફક્ત જાહેરસભાનું જ આયોજન હતું, જોકે હવે એમાં રોડ શો ઉમેરવામાં આવ્યો છે. પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પર જશે. અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ 12 સ્ટેજ બનાવવામાં આવ્યા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં 5500 કરોડનાં વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત અને જાહેરસભાને સંબોધવાના છે. વડાપ્રધાન જ્યારે આવતા હોય છે ત્યારે કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોની ભેટ આપતા હોય છે. રેલવે રોડ બિલ્ડિંગ અને ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરેના કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોના તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.
પ્રજા વડાપ્રધાનને આવકારવા માટે ખૂબ ઉત્સાહિત છે ત્યારે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી 1.6 કિમીનો રોડ શો કરવામાં આવવાના છે. 26મીએ મારુતિ સુઝુકીના EV હબનું લોકાર્પણ કરશે. જ્યાંથી વાહનો 100 દેશમાં નિકાસ થશે. શહેરના વાડજના રામાપીર ટેકરા ખાતે 133.42 કરોડના ખર્ચે બનાવેલાં 1,449 આવાસ તથા 130 દુકાનનું લોકાર્પણ કરશે. સીજી રોડ અને લો ગાર્ડનની આસપાસનો 6.6 કિમીના વિસ્તારને 100 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે, જેમાં સ્કલ્પ્ચર, પ્લે ગાર્ડન એરિયા, ફૂટપાથ, પ્લેસ મેકિંગ સાથે બ્યૂટિફિકેશન કરવામાં આવશે. આ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત વડાપ્રધાન કરશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
