બારડોલીમાં સુરત જીલ્લા ખેડૂત સમાજની મીટીંગ મળી.
પાવરગ્રીડ કોર્પોરેશન સામે ખેડૂતોનો છેતરપિંડીનો આરોપ
નિશ્ચિત વળતર કરતાં ઓછું ચૂકવાયું
જીલ્લા ખેડૂત સમાજના આગેવાનીમાં બેઠક યોજાઈ.
બારડોલી: સુરત જિલ્લાના ખેડૂતોએ પાવરગ્રીડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા પર વીજ ટ્રાન્સમિશન લાઇન માટે નક્કી થયેલું વળતર ઓછું ચૂકવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
આ અંગે સુરત જિલ્લા ખેડૂત સમાજે મંગળવારે બારડોલીના DySP સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી, તાત્કાલિક ન્યાયની માંગ કરી છે. લાંબા સમયથી પાવરગ્રીડ અને સ્ટર્લાઇટ જેવી કંપનીઓ સામે ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે ખેડૂતોનો વિરોધ ચાલી રહ્યો હતો. ખેડૂતો તેમના ખેતરોમાં ટાવર અને કેબલ પસાર કરવા માટે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા હતા. વહીવટી તંત્રની મધ્યસ્થી અને વાટાઘાટો બાદ, પાવરગ્રીડ કોર્પોરેશનની 765 kV વીજ ટ્રાન્સમિશન લાઇન માટે વળતરની રકમ નક્કી કરવામાં આવી હતી. આનાથી સંતોષ થતાં ખેડૂતોએ વીજ લાઇન પસાર થવા માટે મંજૂરી આપી દીધી હતી. જોકે, હવે જ્યારે વળતર ચૂકવવાનો સમય આવ્યો ત્યારે કંપની દ્વારા નિર્ધારિત રકમ કરતાં ઓછી રકમ ખેડૂતોના બેંક ખાતામાં જમા થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ખેડૂતોનો દાવો છે કે તેમને સરકાર પર વિશ્વાસ રાખીને થાંભલાના ફાઉન્ડેશનના કામો કરવા દીધા હતા, પરંતુ હવે તેમને છેતરપિંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત, ખેડૂતોનો આરોપ છે કે કંપની દ્વારા તેમને પોલીસની ધમકી આપીને ડરાવવામાં આવી રહ્યા છે.
મંગળવારે મોટી સંખ્યામાં ખેડૂતો બારડોલી DySP કચેરી પહોંચ્યા હતા અને કંપની સામે કેસ નોંધવાની તથા જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટનાથી ખેડૂતોમાં વિશ્વાસનો ભંગ થયો છે અને તેઓ ઝડપી ન્યાયની રાહ જોઈ રહ્યા છે….