અરવલ્લી મોડાસાના મરડિયા પાસે પોલીસની દબંગાઈ
રાજસ્થાની પરિવારની કારના કાચ તોડ્યા અને મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું,
વીડિયો વાઇરલ કરી જાગૃત નાગરિકે જિલ્લા પોલીસને જાણ કરી
મોડાસાના મરડિયા ગામ પાસે શામળાજી હાઇવે પર પોલીસની દબંગાઈનો કિસ્સો સામે આવ્યો છે. ગઈકાલે રાત્રે લગભગ 10 વાગ્યે રાજસ્થાનથી સુરત જઈ રહેલા એક પરિવાર સાથે પોલીસે અભદ્ર વર્તન કર્યું હતું.
અરવલ્લી મોડાસાના મરડિયા પાસે હાઇવે પર પોલીસની મીની ચેકપોસ્ટ પર ટીંટોઇ અને મોડાસા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. રાજસ્થાનથી આવી રહેલી કારને પોલીસે રોકી હતી. પોલીસે કારના પાછળના ભાગે દંડો મારીને કાચ તોડી નાખ્યા હતા. કારમાં બેઠેલા નાના બાળકો આ દ્દશ્ય જોઈને ગભરાઈ ગયા હતા. કારમાં સવાર એક મહિલાએ જ્યારે પોલીસની આ કાર્યવાહી અંગે પૂછપરછ કરી ત્યારે તેમની સાથે પણ પોલીસે ઝપાઝપી કરી હતી. ઘટના સ્થળે હાજર સ્થાનિક જાગૃત નાગરિક આશુતોષ રાઠોડે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. તેમણે જ્યારે પોલીસને આ વર્તન અંગે પૂછ્યું ત્યારે તેમની સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. રાજસ્થાનનો પરિવાર સુરતમાં બીમાર સગાને મળવા જઈ રહ્યો હતો.
રાત્રિના દસ વાગ્યાની ઘટના છે. વાહન ચેકીંગ દરમિયાન પોલીસે રાજસ્થાનના પરિવાર સાથે પોલીસે દબંગાઈ ભર્યું વર્તન કર્યું હતું. મારા દેખતાં જ ફરજ પરના પોલીસકર્મીએ ગાડીનો કાચ તોડી કારચાલક અને મહિલા સાથે પણ ઝપાઝપી કરી હતી. અડધી રાત્રે નાના ભૂલકાઓ પણ આજીજી કરતા રડી રહ્યા હતા છતાં પણ પોલીસે જાણે નશામાં હોય એ રીતે પોતાની દબંગાઈ છોડી ના હતી. આ પોલીસકર્મી મોડાસાના ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો સંજય બેચરભાઈ સાંભવા છે. આ બાબતે તેઓએ અરવલ્લી જિલ્લા પોલીસવડા અને એએસપીને મેઈલ દ્વારા પણ જાણ કરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી