સુરેન્દ્રનગરમાં એ.સી.બી.નો સફળ ટ્રેપ
ટી.બી. હોસ્પિટલનો પટાવાળો 2 હજારની લાંચ લેતા ઝડપાયો
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી ટી.બી. હોસ્પિટલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા તેમજ જે.કે. સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર વિનોદભાઈ કિશોરભાઈ પરમારને 2 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.
સુરેન્દ્રનગરમાં આરોપી સુપરવાઇઝર વિનોદભાઈ કિશોરભાઈ પરમાર રતનપર વિસ્તારના દશામાના મંદિર પાસે આવેલા વાલ્મીકી વાસનો રહેવાસી છે. એ.સી.બી.ને મળેલી ફરિયાદ મુજબ, ફરિયાદી જે.કે. સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. નોકરી દરમિયાન નિયમિત હાજરી આપવા છતાં કોઈ ખોટી રીતે હેરાનગતિ ન થાય અને નોકરીમાં અડચણ ઉભી ન કરવામાં આવે તે માટે આરોપીએ ફરિયાદી પાસે 2,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ એ.સી.બીએ 25 જૂનના રોજ સુરેન્દ્રનગરના જેલ ચોક ખાતે જય ભવાની જ્વેલર્સ સામે ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન ફરિયાદી અને આરોપી વચ્ચે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત થઈ હતી. ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી 2 હજારની લાંચની રકમ સ્વીકારી હતી. લાંચ સ્વીકારતાની સાથે જ એ.સી.બી.ની ટીમે આરોપીને સ્થળ પરથી રંગેહાથ ઝડપી લીધો હતો અને લાંચની રકમ પણ કબજે કરી હતી. આ સમગ્ર કાર્યવાહી સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.વી. પટેલના નેતૃત્વમાં કરવામાં આવી હતી. કાર્યવાહીની દેખરેખ રાજકોટ એ.સી.બી. એકમના મદદનીશ નિયામક શ્રી જે.ડી. મેવાડાએ રાખી હતી, જ્યારે નાયબ નિયામક શ્રી બલદેવસિંહ વાધેલા સમગ્ર કાર્યવાહીના ઇન્ચાર્જ અધિકારી રહ્યા હતા. એ.સી.બી.એ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અધિકારીઓએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સરકારી કે સંબંધિત કામગીરી માટે લાંચની માંગણી કરવામાં આવે તો નિર્ભયપણે એ.સી.બી.નો સંપર્ક કરી ભ્રષ્ટાચાર સામે લડતમાં સહભાગી બને….
