સુરતમા નાસિરનગર ડિમોલિશન મામલે ધારાસભ્ય વિનુ મોરડીયા
નોટિસ વગર સાદા કપડાંમાં આવેલા લોકોએ 100 મકાનો તોડ્યા,
રહીશોએ કર્યા ગંભીર આક્ષેપ
સુરતના નાસિરનગરમાં નોટિસ આપ્યા વિના 40 થી 50 વર્ષ જૂના આશરે 100 મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે. સાદા કપડાંમાં આવેલા લોકોની કાર્યવાહીથી લોકો રોડ પર આવી ગયા છે. જેને લઇ આજે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા હવે આ મામલે મેદાનમાં આવ્યા છે
સુરત શહેરના નાસિરનગર વિસ્તારમાંથી ડિમોલેશનને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. અહીં રહેતા સ્થાનિક રહીશોએ આક્ષેપ કર્યો છે કે, તંત્ર અથવા અન્ય કોઈ તત્વો દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ નોટિસ આપ્યા વિના આશરે 100 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે. આ અચાનક અને કથિત ગેરકાયદેસર કાર્યવાહીને કારણે વર્ષોથી રહેતા પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ત્યારે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડીયા હવે આ મામલે મેદાનમાં આવ્યા છે અને જે કોઈએ આ ખેલ કર્યો છે તેમની સામે તપાસની માંગ કરી છે, આ સમગ્ર મામલે સૌથી મોટો અને ચોંકાવનારો આક્ષેપ એ છે કે, આ ડિમોલેશનની કામગીરી કરવા માટે આવેલા લોકો કોઈ સત્તાવાર ગણવેશમાં ન હતા, પરંતુ સાદા કપડાંમાં આવ્યા હતા. રહીશોનો આરોપ છે કે, કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના અને કોઈ પણ લેખિત નોટિસ આપ્યા વગર જ તેમના ઘર તોડી નાખવામાં આવ્યા છે.
સ્થાનિક રહીશોના દાવા અનુસાર, તેઓ છેલ્લા 40 થી 50 વર્ષથી આ વિસ્તારમાં બનેલા મકાનોમાં પોતાના પરિવાર સાથે આશરો મેળવી રહ્યા હતા. પાયાની સુવિધાઓ સાથે જીવતા આ શ્રમજીવી કે મધ્યમવર્ગીય પરિવારોના આશિયાના પર અચાનક જેસીબી ફેરવી દેવાયું છે. મકાનો તૂટી પડતાં આશરે 100 જેટલા પરિવારો સંપૂર્ણપણે પ્રભાવિત થયા છે, અને કાળઝાળ ગરમી તેમજ ખુલ્લા આકાશ નીચે આવવા મજબૂર બન્યા છે. હાલની સ્થિતિએ પીડિત રહીશો રિક્ષાઓમાં અને રોડ પર રાત વિતાવવા માટે લાચાર બન્યા છે. બીજી તરફ, આ સંવેદનશીલ અને ગંભીર બાબતે સ્થાનિક પ્રશાસન કે, કોઈ સરકારી તંત્ર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કે સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તંત્ર આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર ન હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મકાનો કોણે તોડ્યા, કોના ઈશારે તોડ્યા અને આ કાર્યવાહી પાછળ કોનો હાથ છે, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે અને પોલીસે આ મામલે ઊંડી તપાસ કરવી જોઈએ તેવી માગ ઉઠી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
