સુરતના અબ્રામા પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગનો મામલો
પી.પી. સવાણી હોસ્ટેલમાં 80થી 100 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનની અસર
ફૂડ પોઈઝનિંગ મામલે હોસ્ટેલ તંત્ર અને મનપા ફૂડ સેફ્ટી વિભાગના નિવેદનમાં વિરોધાભાસ
સુરતના અબ્રામા ખાતે આવેલી પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનની અસરનો મામલો સામે આવ્યો છે. અંદાજે 80થી 100 જેટલી વિદ્યાર્થીનીઓને અસર થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે હોસ્ટેલ તંત્ર અને મનપા ફૂડ સેફ્ટી વિભાગના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
સુરતના અબ્રામા ખાતે આવેલી પી.પી. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં ગતરોજ રાત્રે ફૂડ પોઈઝનની અસરનો મામલો સામે આવ્યો હતો. રાત્રે આશરે 11:30 વાગ્યાના સમયગાળા દરમિયાન એક બાદ એક વિદ્યાર્થીનીઓની તબિયત લથડવાની શરૂઆત થઈ હતી. આશરે 80થી 100 જેટલી વિદ્યાર્થીનીઓને અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ હોસ્ટેલ તંત્ર દ્વારા તમામ અસરગ્રસ્ત વિદ્યાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. સારવાર બાદ સવારે તમામ વિદ્યાર્થીનીઓને રજા આપી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ હોસ્ટેલમાં બનાવવામાં આવેલા ભોજનના સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું હોસ્ટેલ તંત્રનું કહેવું છે અને આ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. સાથે જ મનપાના આરોગ્ય વિભાગને પણ જાણ કરવામાં આવી હોવાનો દાવો હોસ્ટેલ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ સમગ્ર મામલે હવે નવો વળાંક આવ્યો છે. મનપાના ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીએ હોસ્ટેલ તંત્રના આ દાવાને ખોટો ગણાવ્યો છે. એટલે સવાલ એ છે કે જો મનપા ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હોવાનો હોસ્ટેલ તંત્ર દાવો કરી રહ્યું છે, તો અધિકારી દ્વારા આ વાતને નકારી કેમ કાઢવામાં આવી? તેવા સવાલો ઉભા થયા છે.
