વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી
ગટર ઓવરફ્લો થતાં મંદિર પરિસરમાં ગંદુ પાણી ઘૂસ્યું
ગંદુ પાણી શિવલિંગ સુધી પહોંચ્યાનો આક્ષેપ
સુરતના વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારીનો આક્ષેપ કરતી ઘટના સામે આવી હોય તેમ જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો. ગટર ઓવરફ્લો થતાં ગંદુ પાણી મંદિર પરિસરમાં ઘૂસી શિવલિંગ સુધી પહોંચ્યું હોવાનો આક્ષેપ કરાયો હતો જેના કારણે દર્શન પણ બંધ કરવાની ફરજ પડી હતી.
સુરતના વરાછામાં આસ્થા પર ગટરનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સામે આવી છે. વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટર ઓવરફ્લો થતાં મંદિર પરિસરમાં ગંદુ પાણી ભરાઈ ગયું હતું. સ્થિતિ એટલી ગંભીર બની કે ગટરનું ગંદુ પાણી શિવલિંગ સુધી પહોંચી ગયું હોવાનો આક્ષેપ છે. ગંદા પાણીના કારણે ભક્તોને દર્શન કરવામાં પણ મુશ્કેલી પડી અને દર્શન બંધ કરવાની ફરજ પડી હતી. સ્થાનિકો અને મંદિર સાથે જોડાયેલા લોકો દ્વારા સ્થાનિક કોર્પોરેટર તેમજ એસએમસીના અધિકારીઓને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે. આખરે ધાર્મિક સ્થળે ગટરનું પાણી પહોંચ્યા બાદ પણ તંત્ર કેમ જાગતું નથી? વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારીનો આક્ષેપ કરતા ભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
