પીપી સવાણી સ્કૂલ ફૂડ પોઈઝનિંગ મામલે એબીવીપી મેદાનમાં
ફૂડ પોઈઝનિંગ મામલે એબીવીપીની ઉગ્ર રજૂઆત
વિદ્યાર્થીઓ બીમાર પડતા એબીવીપીએ સ્કૂલને ઘેર્યું
સુરતની પીપી સવાણી સ્કૂલના હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગ મામલે હવે એબીવીપી મેદાનમાં ઉતરી છે. અનેક વિદ્યાર્થીઓ બીમાર પડ્યા બાદ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, ત્યારે સમગ્ર મામલે એબીવીપીએ સ્કૂલ ખાતે ઉગ્ર રજૂઆત કરી છે.
સુરતમાં પી.પી. સવાણી સ્કૂલના હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ વિદ્યાર્થીઓના આરોગ્યને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. ઘટનામાં અનેક વિદ્યાર્થીઓ બીમાર પડતાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ મામલે એબીવીપીના કાર્યકરોએ સ્કૂલ ખાતે ઉગ્ર રજૂઆત કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મેસ સંચાલકની બેદરકારી સાબિત થાય તો તેનું ટેન્ડર રદ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓની ભાગીદારીવાળી ફૂડ કમિટી બનાવવામાં આવે અને ભોજનની ગુણવત્તા તથા સ્વચ્છતા અંગે નિયમિત દેખરેખ રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સ્કૂલ સંચાલન પાસેથી ખાતરી પણ માંગવામાં આવી છે. બીજી તરફ મહેશભાઈ સવાણીએ ફૂડના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે. હવે એબીવીપીએ સ્પષ્ટ ચીમકી આપી છે કે તેમની માંગણીઓ પર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓના ભોજન અને આરોગ્ય સાથે જોડાયેલા આ મામલે હવે તંત્ર અને સ્કૂલ સંચાલન શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર છે.
