મધ્યપ્રદેશ ભાગી ગયેલો હવસખોર ઝડપાયો
સુરતના સારોલીમાં કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમની ધરપકડ
13 વર્ષની બાળા ઉપર ડ્રાઇવરે બળાત્કાર ગુજાર્યો,
21 વર્ષના રાધવેન્દ્રસિંગે પ્રેમજાળમાં ફસાવી હતી,
આ દુષ્કર્મના કારણે બાળાને ગર્ભ રહી ગયો હતો
સણીયા હેમાદ વિસ્તારમાં રહેતી 13 વર્ષની બાળાને પડોશમાં રહેતા 21 વર્ષના યુવાને પ્રેમજાળમાં ફસાવી શરીરસબંધ બાંધી ગર્ભવતી બનાવી હતી. પોલીસ ફરિયાદ થતા પોલીસે મધ્યપ્રદેશથી આરોપીને ઝડપી પાડ્યો.
સુરત શહેરના સણીયા હેમાદ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 13 વર્ષની નિર્દોષ બાળા પર 21 વર્ષના યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસની માહિતી મુજબ, આરોપી રાધવેન્દ્રસિંહે પોતાની પાડોશમાં રહેતી બાળાને પ્રેમના જાળમાં ફસાવી હતી. આરોપી ડ્રાઇવરે પોતાની કાર એક અવાવરુ જગ્યાએ લઈ જઈને ત્યાં બાળા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. બાળા આ બનાવ પછી ગર્ભવતી થઈ ગઈ હતી. થોડા દિવસ પહેલા બાળાને પેટમાં તીવ્ર દુઃખાવા થયા બાદ, તેના માતા-પિતાએ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. તબીબે તપાસ દરમ્યાન બાળાને ત્રણ માસનો ગર્ભ હોવાની માહિતી આપી હતી, જેના કારણે પરિવારમાં ચકચાર મચી ગઈ હતી. બાળાએ હકીકત જાહેર કરતાં ખુલાસો થયો કે રાધવેન્દ્રસિંહે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. તરત જ સારોલી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપીને ઘટના અંગે જાણ થતાં તે તેના વતન મધ્યપ્રદેશ ભાગી છૂટ્યો હતો. પરંતુ પોલીસની સતર્કતા અને સતત તપાસના આધારે પોલીસ ટીમે આરોપી રાધવેન્દ્રસિંહને મધ્યપ્રદેશથી ઝડપી પાડી, સુરતમાં લઈ આવી છે. હાલ આરોપી વિરુદ્ધ પોક્સો અધિનિયમ સહિત IPCની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.