દાહોદ એસબીઆઇ મુખ્ય બ્રાન્ચમાં 31 સામે એફઆઈઆર,

Featured Video Play Icon
Spread the love

દાહોદ એસબીઆઇ મુખ્ય બ્રાન્ચમાં 31 સામે એફઆઈઆર,
31 સામે એફઆઈઆર માં 18ની ધરપકડ કરવામાં આવી
લોન લેવા નકલી શિક્ષક અને એસટી ડ્રાઇવર બન્યા,
રેલવેકર્મીઓએ પણ નકલી પગાર સ્લિપ બનાવી
ગુરમિતસિંહ પ્રેમસિંગ બેદીની મદદથી ખોટા દસ્તાવેજો રજુ કર્યાં

દાહોદમાં એસબીઆઈ બેંકની બે શાખામાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં લોન લેવા નકલી શિક્ષક અને એસટી ડ્રાઇવર બન્યા તેમજ રેલવેકર્મીઓએ પણ નકલી પગાર સ્લિપ બનાવતા 31 સામે એફઆઈઆર થઇ છે અને 18 લોકોની ધરપકડ કરવામાં આવી

દાહોદ શહેરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બે શાખાઓમાં ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપ્સના આધારે લોન મેળવી બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે. આ લોન કૌભાંડમાં કુલ 31 ઈસમો સામે દાહોદના એ અને બી ડિવિઝન પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી બંને શાખાના ત્યારના મેનેજર અને લોન એજન્ટો સહિત 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડીવાયએસપીએ જણાવ્યું કે ગઇકાલે ઝડપાયેલા પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા ચાર આરોપીઓને પાંચ દિવસના અને એક આરોપીના એક દિવસના રિમાન્ડ મળ્યા છે. જ્યારે આજે ઝડપેલા આરોપીઓને હજી કોર્ટમાં રજૂ કરાયા નથી. આ લોન કૌભાંડ અંગે હાલના બ્રાન્ચ મેનેજર દીપક ગુલાબરાવ પવારે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં. પોલીસે IPC કલમ 420, 409, 465, 467, 468, 471, 120B અને 34 હેઠળ ગુનો નોંધી, તપાસ શરૂ કરી છે

દાહોદ શહેરના માણેકચોક ખાતે આવેલી SBI બેન્કની મુખ્ય શાખામાં 20 જૂન 2022થી 13 ફેબ્રુઆરી 2024 દરમિયાન તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંગ બેદીની મદદથી 19 ઈસમોએ ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ નકલી શિક્ષક, એસ.ટી ડ્રાઇવર બની બનાવટી પગાર સ્લિપ્સ તૈયાર કરી, રિટેલ લોન મેનેજમેન્ટ સિસ્ટમમાં નેટ સેલેરીને બદલે ગ્રોસ સેલેરીની ખોટી એન્ટ્રી કરી વધુ લોન મેળવી હતી. લોનધારકોના ખાતા નોન-પરફોર્મિંગ એસેટ અથવા ઓવરડ્યુ હોવા છતાં, પૂર્વ મંજૂરી નિરીક્ષણ વિના લોન મંજૂર કરવામાં આવી હતી. આ લોન કૌભાંડમાં દાહોદના ઝરીખુર્દ, તણસીયા, રાબડાળ, ગુંદીખેડા, ગરબાડા, મહીસાગર જિલ્લા, મધ્યપ્રદેશના ધાધણીયા અને રાજસ્થાનના રંગપુર ગામના રહેવાસીઓ સામેલ છે. જેમા મહીસાગર જિલ્લાના જમનાના મુવાડા ગામના વિક્રમ મંગળ પટેલિયાએ પટાવાળા તરીકે નોકરી કરતા હોવા છતાં ક્લાર્ક તરીકે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. ધાનપુરના નવાનગર ગામના સંજય રૂપા હઠીલાએ કેસ ક્રેડિટ લોન અને ડિજિટલ લોન માટે ખોટા કોટેશન બિલો રજૂ કરી, સેન્ટીંગ સામગ્રીની ખરીદી ન કરતાં લોનની રકમનો દુરુપયોગ કર્યો હતો. આશિષ સીમલ બારીયાએ હોમ લોન અને સુરક્ષા લોનનો ઉપયોગ ચાર માળનું મકાન બાંધવાને બદલે અધૂરું બાંધકામ કરી, રકમનો દુરુપયોગ કર્યો હતો. ગુરમિત બેદીએ આ લોનની રકમ કોન્ટ્રાક્ટરને બદલે આશિષના ખાતામાં ટ્રાન્સફર કરી, આવકના દસ્તાવેજો અને બાંધકામનું નિરીક્ષણ કર્યા વિના લોન મંજૂર કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *