વ્યારા સુગર ફેક્ટરીમાં ખેડૂતોના નાણાં નચૂકવાતાં ધરણાં ચોથા દિવસે ઉગ્ર
વ્યારા મજૂરી, ખાંડ અને સ્ક્રેપ વેચાણના હિસાબો જાહેર કરવા અલ્ટીમેટમ અપાયું
તાપી જિલ્લાની જીવાદોરી ગણાતી વ્યારા સુગર મિલ હવે ખેડૂતો માટે કડવી સાબિત થઈ રહી છે. શેરડી જમા કરાવ્યા બાદ પણ લાંબા સમયથી બાકી નીકળતી રકમ ન મળતાં આક્રોશે ભરાયેલા ખેડૂતોએ કલેક્ટર કચેરી સામે જ મંડપ બાંધી અનિશ્ચિત મુદતના ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે.
ધરણાના ચોથા દિવસે પણ ખેડૂતો પોતાની માંગ પર મક્કમ રહ્યા હતા અને જ્યાં સુધી બાકી નાણાંનું ચૂકવણું નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, મિલમાં જમા કરાવાયેલી શેરડીનું પીલાણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત, ખાંડ, મોલાસીસ અને મિલનો ભંગાર પણ વેચી દેવામાં આવ્યો છે. આમ છતાં, ખેડૂતોને તેમના હકના બે હપ્તાના નાણાં મળ્યા નથી અને ટૂંક સમયમાં ત્રીજો હપ્તો પણ ચૂકવવાનો થાય છે. આશરે રૂ. ૧૦ કરોડ જેટલી મોટી રકમ બાકી હોવા છતાં ચૂકવણું ન થતાં ખેડૂતોમાં ભારે રોષ છે. “જો બધી જ વસ્તુઓ વેચાઈ ગઈ હોય, તો પછી ખેડૂતોના પૈસા ગયા ક્યાં?” એવો તીખો સવાલ ખેડૂત આગેવાનો પૂછી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુગર મિલનો વહીવટ ચલાવવા સરકારે કસ્ટોડિયન કમિટીની નિમણૂક કરી હતી, જેમાં પોતાના જ ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. તેમ છતાં વહીવટી નિષ્ફળતા અને સહકારી ક્ષેત્રમાં વધી રહેલા રાજકારણને કારણે આજે જગતનો તાત રસ્તા પર આવવા મજબૂર બન્યો છે. સહકારી ક્ષેત્રમાં વધતા રાજકીય હસ્તક્ષેપનું આ એક જ્વલંત ઉદાહરણ પૂરું પાડે છે. હવે જોવાનું એ રહે છે કે જિલ્લા તંત્ર અને સરકાર ખેડૂતોની આ વેદના સમજીને ત્વરિત નાણાંની ચૂકવણી કરે છે, કે પછી ખેડૂતોએ આરપારની લડાઈ લડીને પોતાના હકનું વળતર મેળવવું પડે છે.
