પાંડેસરામાં પારિવારિક અદાવતમાં સાળાની બાઇક સળગાવી
પ્રેમલગ્નની અદાવતમાં બનેવીએ બાઇકને ચાંપી આગ
બાઇક સળગાવવાની ઘટના સીસીટીવીમાં કેદ, પોલીસ ફરિયાદ નોંધાઈ
સુરતના પાંડેસરામાં જૂના પારિવારિક વિવાદ અને પ્રેમલગ્નની અદાવતમાં બનેવીએ સાળાની બાઇક સળગાવી હતી. મોડી રાત્રે બાઇકને આગ ચાંપવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
સુરતના પાંડેસરાની મોહન સોસાયટી વિભાગ-2માં પારિવારિક અદાવત ધીરજ મુક્તારસિંગની ઘર પાસે પાર્ક કરેલી બાઇકને ગત 31 ઓગસ્ટની રાત્રે આશરે 1:30 વાગ્યે આગ ચાંપી દેવામાં આવી હતી. બાઇકમાં આગ લાગતા પરિવારજનોએ આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. સીસીટીવીમાં મોડી રાત્રે એક શખ્સ બાઇક પાસે પહોંચીને તેને આગ લગાવતો સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. તપાસ કરતા બાઇક સળગાવનાર શખ્સ બીજું કોઈ નહીં પરંતુ ફરિયાદીના સગા બનેવી મહાવીર વિજય મણી દુબે હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાના મૂળમાં આશરે બે વર્ષ જૂનો પારિવારિક વિવાદ અને પ્રેમલગ્નની અદાવત હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપી મહાવીરના લગ્ન ફરિયાદીની નાની બહેન સાથે થયા છે. જ્યારે આશરે બે વર્ષ પહેલાં ફરિયાદીના નાના ભાઈએ આરોપીની ભાણેજ સાથે પ્રેમલગ્ન કર્યા હતાં. આ લગ્ન આરોપી મહાવીરને શરૂઆતથી જ પસંદ નહોતા અને આ બાબતની અદાવત તેણે મનમાં રાખી હોવાનો આક્ષેપ છે. જૂની અદાવતનો બદલો લેવા માટે સાળાની બાઇક સળગાવી હોવાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ છે.
