તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ચિતપુર ગામે બિસ્માર રસ્તાઓ
બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત ગ્રામજનો
તંત્રની ઉદાસીનતા સામે રોષ
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત પાટીબંધારા હેઠળ આવતા ચિતપુર ગામમાં વિકાસના દાવાઓ પોાડા સાબિત થઈ રહ્યા છે. ગામના નિશાળ ફળિયા સહિતના આંતરિક અને મુખ્ય રસ્તાઓની હાલત અત્યંત દયનીય અને કફોડી બની ગઈ છે. ચોમાસાની ઋતુ શરૂ થતાં જ આ માર્ગોની અસલી નરકાગાર જેવી સ્થિતિ સામે આવી છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ચિતપુર ગામના નિશાળ ફળિયામાં લાંબા સમયથી રસ્તાઓનું યોગ્ય નિર્માણ કે મરામત ન થવાને કારણે રોડ પર મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. હાલમાં પડી રહેલા વરસાદના કારણે આ ખાડાઓમાં પાણી ભરાઈ જતાં આખો માર્ગ કાદવ અને કીચડમાં ફેરવાઈ ગયો છે. ચાલવું પણ મુશ્કેલ બને તેવી સ્થિતિ સર્જાતા સ્થાનિક રહીશો માટે ઘરની બહાર નીકળવું પણ એક સાહસ સમાન બની ગયું છે. આ બિસ્માર રસ્તાઓને કારણે ગામના શાળા-કોલેજે જતા માસૂમ વિદ્યાર્થીઓ, રોજિંદા કામે જતાં શ્રમિકો અને વડીલોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. કાદવ-કીચડ અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે ટુ-વ્હીલર (બે-ચક્રી વાહનો) ના ચાલકોના વાહનો લપસી જવાના બનાવો સામાન્ય બન્યા છે. અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોવાથી ગ્રામજનોમાં ગંભીર ઈજાઓ થવાનો સતત ડર સતાવી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાઓની આ ગંભીર સમસ્યા અંગે અગાઉ અનેક વખત સંબંધિત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા કક્ષાના તંત્ર સમક્ષ લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તંત્ર દ્વારા માત્ર ખાતરીઓ જ આપવામાં આવી છે અને જમીની સ્તરે કોઈ જ નક્કર કે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. અધિકારીઓની આ પ્રકારની ઉદાસીનતા અને બેદરકારીને કારણે ગ્રામજનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે..
