સુરત મેટ્રોમાં દેશભરમાં પ્રથમવાર જોવા મળશે અનોખી વિશેષતા,
110 ફૂટ ઊંડાઈએ 2 સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન તૈયાર
સુરતને સ્માર્ટ સિટી બનાવવાના ડ્રીમ પ્રોજેક્ટ એવા સુરત મેટ્રોમાં અનેક ઐતિહાસિક અને અનોખી વિશેષતાઓ જોવા મળશે. હીરા નગરી સુરતની ઓળખને અનુરૂપ મેટ્રોની ડિઝાઈનમાં ડાયમંડ કટ્સ થીમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તો બીજી તરફ દેશના પ્રથમ સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન પણ સુરતમાં તૈયાર થઈ રહ્યા છે.
સુરત મેટ્રો પ્રોજેક્ટમાં આધુનિક ટેક્નોલોજી સાથે સુરતની આગવી ઓળખને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મેટ્રોના સ્ટેશનોની સિલિંગ અને એલિવેશનમાં ડાયમંડ કટ્સ આધારિત ડિઝાઇન જોવા મળશે. મસ્કતી હોસ્પિટલ અને લાભેશ્વર ખાતે અંદાજે 110 ફૂટ ઊંડાઈએ સ્ટેક્ડ મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. એક જ પ્રોજેક્ટમાં બે સ્ટેક્ડ સ્ટેશનનું આયોજન સુરત મેટ્રોની મહત્વની વિશેષતા બની રહ્યું છે. મેટ્રોના વિકાસ સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ કરવામાં આવ્યું છે. આશરે 700 વર્ષ જૂના ઐતિહાસિક વૃક્ષને બચાવવા માટે મેટ્રોનું અલાઈનમેન્ટ બદલવામાં આવ્યું છે. સુરત મેટ્રોના 6 અંડરગ્રાઉન્ડ સ્ટેશન આઈજીબીસી ગ્રીન ધોરણો મુજબ તૈયાર થઈ રહ્યા છે, જ્યારે ખજોદના ડ્રીમ સિટી ડેપોમાં 3 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. સુરત મેટ્રોમાં 750 વોલ્ટ ડીસી થર્ડ રેલ સિસ્ટમ દ્વારા વીજ પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખજોદના ડ્રીમ સિટી ડેપોમાં એકસાથે 24 ટ્રેન ઊભી રહી શકશે. જ્યારે મજુરાગેટ મેટ્રો સ્ટેશન સુરતનું પ્રથમ ઈન્ટરચેન્જ હબ બનશે. હીરાની ઓળખ ધરાવતા સુરત શહેરમાં ડાયમંડ કટ્સથી સજ્જ મેટ્રો સ્ટેશન, સ્ટેક્ડ સ્ટેશનની અનોખી રચના, ગ્રીન ટેક્નોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક પાસાઓ સુરત મેટ્રોને વિશિષ્ટ બનાવશે. આધુનિકતા, ટેક્નોલોજી અને પર્યાવરણના સમન્વય સાથે સુરતનું ટ્રાન્સપોર્ટ ચિત્ર બદલાવાની દિશામાં મેટ્રો પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે.
