ભાવનગરમાં વ્યાજખોરીના અજગરી ભરડામાં રીક્ષા ચાલકે ઝેરનાં પારખાં કર્યાં
વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી હોવાની ફરિયાદ
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા રીક્ષા ચાલકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સ્થિત શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અમિતલાલ શ્યામલાલ પીંજાણીને આર્થિક જરૂરિયાત ઊભી થતા તેના ફ્લેટમાં રહેતી દિપા નરેશ મમતાણી પાસેથી ૧૦% વ્યાજે ૪.૫૦/-લાખ, માલા મનોજ મંગનાણી પાસેથી ૮% વ્યાજે ૧ લાખ,અમિત પાસેથી ૨% વ્યાજે ૧ લાખ, અને સાગર નરેશ રાજાઈ પાસેથી ૮% વ્યાજલેખે ૩૫,હજાર રૂપિયા લીધા હોય દરમ્યાન યુવાનનો ધંધો બરાબર ચાલતો ન હોય આથી વ્યાજખોરોને સમયસર વ્યાજ કે મુદ્દલ ન આપી શકતા તમામ વ્યાજખોરો એ રીક્ષા ચાલક ને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને માથાભારે શખ્સો દ્વારા પણ કોલ કરાવી ધાક-ધમકી આપવા સાથે જાનથી મારી નાંખવાની ધમકી ઓ આપતા ડરી ગયેલ ફરિયાદી અમિતલાલ એ કંટાળીને ઝેરી દવા પી લેતા ગંભીર હાલતે સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ તેણે ચારેય વ્યાજખોરો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
